મુંબઈ, તા.5 : મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે માત્ર પ્રચાર અને પબ્લીસિટી પાછળ અત્યાર સુધીમાં 155 કરોડ રૂપિયા ફૂંકી નાખ્યા છે.આ ચોંકાવનારો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે.આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ ડીજીઆઈ અને પબ્લીક રિલેશન પાસેથી આ અંગેની જાણકારી માંગી હતી જેમાં જણાવાયું છે કે પાછલા 16 મહિનામાં સરકારે માત્ર પ્રચાર માટે 155 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને તેમાં સૌથી વધુ ખર્ચ સોશ્યલ મીડિયા દ્વારા કરાયેલા પ્રચાર પાછળ થયો છે.
અનિલ ગલગલી તરફથી એવી જાણકારી માંગવામાં આવી હતી કે જ્યારથી મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર બની છે ત્યારથી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.હવે સુચના અને જનસંપર્ક વિભાગ તરફથી 11 ડિસેમ્બર 2019થી 12 માર્ચ 2021 સુધીના આંકડા આપવામાં આવ્યા છે જેમાં જણાવાયું છે કે વર્ષ 2019માં રાજ્ય સરકાર તરફથી પ્રચાર પાછળ 20.31 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા જેમાં 19.92 કરોડ તો વેક્સિનેશનના પ્રચાર પર ખર્ચ કરાયા છે.
ત્યારપછી વર્ષ 2021માં રાજ્ય સરકાર તરફથી 104.55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે જેમાં 5.96 કરોડ મહિલા દિવસના પ્રસંગે ખર્ચ થયા છે.
19.92 કરોડ એન.એચ.એમ.ના પ્રચાર પાછળ અને વિશોષ પ્રચાર અભિયાન ઉપર 22.65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યારે સોશ્યલ મીડિયાને લઈને જણાવાયું છે કે સરકાર તરફથી અહીં 1.15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.આવી જ રીતે અન્ય વિભાગના પ્રચાર-પ્રસાર પાછળ પણ ભારે-ભરખમ રકમ ખર્ચી નાખવામાં આવી છે. 2021માં પણ સરકાર તરફથી માત્ર 12 માર્ચ સુધી 12 વિભાગોમાં 29.79 કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે અને તેમાં સોશ્યલ મીડિયા ઉપર 45 કરોડ ખર્ચાયા છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સોશ્યલ મીડિયા ઉપર 2.45 કરોડ રૂપિયાના ખર્ચ થયો છે.
જળ જીવન મિશન ઉપર પણ સરકારે 1.88 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.આ ઉપરાંત લઘુમતિ વિભાગ તરફથી પણ કરાયેલા પ્રચાર પાછળ ઘણો બધો ખર્ચ થયો છે.આંકડાઓના જણાવ્યા પ્રમાણે આ વિભાગે 50માંથી 48 કરોડ તો માત્ર સોશ્યલ મીડિયા ઉપર જ ખર્ચ કર્યા છે.જન સ્વાસ્થ્ય વિભાગ તરફથી પણ 3.15 કરોડનો ખર્ચ થયો છે.આરટીઆઈ કાર્યકર્તા ગલગલીએ કહ્યું કે આ આંકડો 155 કરોડથી પણ વધુનો હોઈશકે છે.તેમના જણાવ્યા મુજબ ડીજીઆઈ પાસે પણ તમામ પ્રકારના આંકડા હોતા નથી આવામાં પ્રચાર પર વધુ રૂપિયા ખર્ચ કરાયા હોઈ શકે છે.


