મુંબઈ : તા.21 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રના શિવસેનાના સિનિયર મંત્રી એકનાથ શિંદે પાર્ટીના 20 ધારાસભ્યો સાથે ભાજપ શાસિત ગુજરાતના સુરતમાં પહોંચી જતાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર ફરી સંકટમાં આવી ગઈ છે. શિંદે સાથે હજુ વધુ ધારાસભ્યો જોડાશે અને બળવાખોરોની સંખ્યા કુલ 32 જેટલી હોઈ શકે છે તેવી રાજકીય અટકળો છે.બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનું એક જૂથ પણ બળવો પોકારી ભાજપ સાથે જઈ શકે છે.ભાજપે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓમાં એમ ઉપરાછાપરી બે વખત આઘાડીને મરણતોલ ફટકા માર્યા હતા અને ગઈ મધરાતના વિધાન પરિષદના પરિણામોથી નક્કી થઈ ગયું હતું કે બહુમતી ધારાસભ્યોનો વિશ્વાસ આઘાડી સરકારે ગુમાવ્યો છે.
હનુમાન ચાલીસા પઠન તથા મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવાના મુદ્દે મનસેના રાજ ઠાકરે તથા ભાજપે આક્ર્મક વલણ દેખાડ્યું અને તેની સામે ઉદ્ધવ ઠાકરેએ ઠંડુ વલણ અપનાવ્યું તેથી શિવસેનાની કોર હિંદુત્વની આઇડિયોલોજી ધરાવતા શિવસેનાના અનેક ધારાસભ્યો અને કાર્યકરો દુઃખી થયા હતા.તેમને લાગ્યું હતું કે આગામી વિધાનસભા અને તે પહેલાં પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં તેમને તેમની વફાદાર વોટબેન્કને જવાબ આપવો ભારે થઈ પડશે.બીજું કે આઘાડીમાં સીએમ શિવસેનાના છે પરંતુ મહત્વનાં તમામ ખાતાં એનસીપી પાસે હોવાથી પણ શિવસેનાના ધારાસભ્યો ભારે નાખુશ હતા.આવા 32 ધારાસભ્યોને ભાજપે ખેરવ્યા હોવાનું કહેવાય છે.
બીજી તરફ,કોંગ્રેસના ધારાસભ્યો માની રહ્યા છે કે શિવસેના,એનસીપી અને ભાજપના ત્રેવડા પ્રહારો વચ્ચે પક્ષનું હવે રાજ્યમાં કોઈ ભવિષ્ય રહ્યું નથી.તાજેતરમાં પરિષદોની ચૂંટણીઓમાં કોંગ્રેસને એનસીપી અને ભાજપે માથે રહીને હરાવી,પાલિકા ચૂંટણીમાં સીમાંકનમાં કોંગ્રેસના મતવિસ્તારોમાં ફેરફારો કરી તેના લીધે કોંગ્રેસ જીતી જ ના શકે તેવા પ્રયાસો કરાયા અને કોંગ્રેસ નેતાઓની આ મુદ્દે ફરિયાદોનો કોઈ ઉકેલ ના આવ્યો તેથી કોંગ્રેસના ધારાસભ્યોને ખ્યાલ આવી ગયો કે હવે અહીં આપણું કોઈ ભવિષ્ય નથી.તેમનામાંથી કેટલાક ગમે તે ઘડીએ ભાજપ તરફ રૂખ કરી શકે.


