મુંબઈ : દેશમાં કોરોના સંક્રમણમાં ગંભીર દર્દીઓ માટે જીવન બચાવવામાં મહત્વના સાબીત થઈ રહેલા રેમડેસીવીર ઈન્જેકશનના મુદે શનિવારે રાત્રીના મુંબઈમાં સર્જાયેલા હાઈડ્રામાથી ફરી એક વખત આ ઈન્જેકશન મુદે ગુજરાત જેવો જ રાજકીય ખેલ મહારાષ્ટ્રમાં ખેલાઈ ગયાના સંકેત મળ્યા હતા.ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે રીતે સરકારી કવોટાની ઐસીતૈસી કરીને ફાર્મા કંપની પાસેથી યેનકેન પ્રકારેણ 10000 ઈન્જેકશન મેળવીને સુરતમાં તે ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કર્યુ અને તે મુદે ખુદ રાજય સરકાર અને મુખ્યમંત્રીએ અજ્ઞાનતા બતાવી હતી.તે વચ્ચે શનિવારે રાનિ દમણમાં રેમડેસીવીરનું ઉત્પાદન કરતી એક કંપની બુક ફાર્માના ડિરેકટર તેજશ ડોકનિવની ધરપકડ અને તેના પગલે રાજયના પૂર્વ મુખ્યમંત્રી તથા હાલ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ જે રીતે મધરાતે પોલીસ સ્ટેશને દોડી ગયા અને ઉદ્ધવ ઠાકરે સરકાર મહામારીના સમયમાં રેમડેસીવીરના ઉત્પાદકોને હેરાન પરેશાન કરે છે તેવા આક્ષેપો સાથે પ્રકરણ ચગાવી દીધું તેમાં મહારાષ્ટ્રમાં પાટીલ-ટાઈપનું રેમડેસીવીરનું રાજકારણ હોવાના સંકેત મળ્યા છે.વાસ્તવમાં ભાજપના વગદાર નેતાઓ રેમડેસીવીર ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી બારોબાર આ ઈન્જેકશનના જથ્થા મેળવીને તેમના મતક્ષેત્રમાં વહેચવા માટે પ્રયાસ કરી રહ્યા છે.થોડા દિવસ અગાઉ જ કેન્દ્રીય મંત્રી તથા નાગપુરના સાંસદ નિતીન ગડકરીએ સનફાર્માને 10000 ઈન્જેકશનો આપવા જણાવ્યું હતું જે તેમના મતક્ષેત્રમાં વહેચવાના હતા.
મુંબઈમાં શનિવારે રાત્રીના ડ્રામામાં મુંબઈ પોલીસના દાવા મુજબ રેમડેસીવીરની નિકાસ ભલે પ્રતિબંધ હોવા છતાં દમણની ફાર્મા કંપની 60000 ઈન્જેકશન એરકાર્ગો મારફત વિદેશ મોકલવા પ્રયાસ કરી રહી હતી અને પોલીસે તે મુદે ફાર્મા કંપનીના ડિરેકટરની અટકાયત કરી હતી.વાસ્તવમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં રેમડેસીવીર મફત વહેચવા ભાજપના નેતાઓ આ ફાર્મા કંપની પાસેથી જથ્થો મેળવવા સતત પ્રયાસ કરતા હતા અને અંતે 60000 ઈન્જેકશન મેળવ્યા પણ શિવસેના સરકારને ગંધ આવી જતા જ મધરાતે દરોડો પાડીને કંપનીના ડિરેકટરની અટકાયત કરી રેમડેસીવીરનો જથ્થો કયાં રખાયો છે તે માહિતી મેળવી હતી.ફાર્મા કંપનીના ડિરેકટરની અટકના ફોન પરથી જ દેવેન્દ્ર ફડનવીસ તુર્ત જ વિલેપાર્લે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પણ ફાર્મા કંપનીના ડિરેકટરને ઝોન-8ના ડીસીપીની ઓફીસે પુછપરછ માટે લઈ જવાયા હોવાનું જણાતા ફડનવીસ ત્યાં ધસી ગયા હતા અને ફાર્મા કંપનીના ડિરેકટરને મુક્ત કરવા પોલીસ સાથે દલીલબાજી કરી હતી.જો કે પોલીસે બાદમાં ફાર્મા કંપનીના ડિરેકટણને મુક્ત કર્યા પણ રેમડેસીવીર કોના માટે હતી અને ફડનવીસને તેમાં શું રસ હતો તે પ્રશ્ર્નનો જવાબ મળ્યો નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડનવીસ ભાજપના બેનર હેઠળ આ ઈન્જેકશન ફ્રીમાં વહેચવા માંગતા હતા.તેઓએ બાદમાં આડકતરી રીતે સ્વીકારતા કહ્યું કે અમો રૂા.4.15 કરોડના ઈન્જેકશન રાજયના લોકો માટે સરકારી ચેનલ માટે સુપ્રત કરવા માંગતા હતા અને અમોએ આ અંગે રાજયના ફૂડ એન્ડ ડ્રગ મંત્રીને પણ જાણ કરી હતી.જો કે મુંબઈ પોલીસે કહ્યું કે શા માટે દેવેન્દ્ર ફડણવીસ આ મામલામાં કુદી પડયા તે અમો જાણતા નથી.અમો ફકત આ જથ્થો કયાં સ્ટોરેજ કર્યો તેજ જાણવા માંગતા હતા. દમણની આ ફર્મને વિદેશમાં નિકાસનું લાયસન્સ છે.કંપનીઓએ માર્કેટીંગનું લાયસન્સ નહી ફકત પ્રોડકશન કરીને તે અન્ય કંપનીને વેચે છે.
ફડનવીસે બે નેતાઓને દમણ મોકલ્યા હતા અને કંપનીને તાત્કાલીક માર્કેટીંગ લાયસન્સ મળે તેવી વ્યવસ્થા કરી હતી.