નવી દિલ્હી : દેશમાં થઈ રહેલી રાજકીય ઉથલપાથલમાં હવે મહારાષ્ટ્ર ભણી પણ સૌનું ધ્યાન ખેંચાયું છે અને રાજયમાં અલગ પડેલા સાથીદારો ભાજપ અને શિવસેના આગામી સમયમાં ફરી સાથે આવે તો આશ્ર્ચર્ય નહી હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગઈકાલે રાજયના મુખ્યમંત્રી તથા શિવસેનાના વડા શ્રી ઉદ્ધવ ઠાકરેએ એક સમારોહમાં જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે પણ મોજૂદ હતા.તેમને ભવિષ્યના સંભવિત સાથીદાર તરીકે ગણાવતા અનેકના ભવા ઉંચકાયા હતા તો ગઈકાલે જ શિવસેનાના પ્રવકતા તથા સાંસદ સંજય રાઉતેએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિનની શુભકામના આપતા સમયે મોદીનું કેવલ એક જ છે અને તેમના જેવા કોઈ નથી તેવા વિધાનો સાથે એમ પણ ઉમેર્યુ કે મોદી ભારતના લોકોમાં અત્યંત લોકપ્રિય છે અને અટલ બિહારી વાજપેયી બાદ મોદીજી ભાજપને ઉંચે લઈ ગયા હતા.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના થપ્પડ વિવાદ સમયે પણ રાઉતેએ એવું વિધાન કર્યુ હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે કોઈ મનદુ:ખ કે સંબંધોમાં કોઈ ખટાશ આવી નથી.રાજયમાં બન્ને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી પણ મુખ્યમંત્રી બનવાના વિવાદમાં બન્ને અલગ પડયા અને શિવસેનાએ એનસીપી તથા કોંગ્રેસનો ટેકો લઈને સરકાર બનાવી છે.મુંબઈમાં એક સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ ડાયસ પર બેસેલા મહાનુભાવોને સંબોધન કરતા એવુ વિધાન કર્યુ કે મારા પુર્વ અને હાલના તથા જો અમો ફરી સાથે આવીએ તો ભવિષ્યના સાથીદાર પણ અહી બેઠા છે તેમનો સીધો સંકેત કેન્દ્રીય મંત્રી રાવસાહેબ ભણી હતો. સમારોહમાં એનસીપી-કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ હાજર હતા.સમારોહ બાદ શ્રી ઠાકરે સ્પષ્ટતા કરતા કહ્યું કે જો બધા સાથે આવે તો તેઓ ભવિષ્યના સાથી પણ બની શકે છે.સમય જ આ જવાબ આપશે.
ઠાકરેના આ વિધાન પછી રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે અન્યત્ર એક સ્થળે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેને એવી ખાતરી થઈ હશે કે આ સરકારની રાજયને સહન કરવું પડી રહ્યું છે. કારણ કે તે એક બિન કુદરતી સાથીદાર એનસીપી અને કોંગ્રેસની સાથે છે તે કેવા લોકો સાથે કામ કરે છે તેની વિચારણા કરવી જોઈએ. રાજકારણમાં બધું શકય છે પણ રાજય ભાજપની નજર સતા પર નથી. અમો એક સક્ષમ વિપક્ષ છીએ અને તે રીતે કામ કરશું.જો કે સંજય રાઉતે મુખ્યમંત્રી ઠાકરેના આ વિધાનો પર ટીપ્પણી કરતા કહ્યું કે રાવસાહેબ દાનવે તમામના મિત્રે છે તેઓ જયારે રાજય એકમના પ્રમુખ હતા તો બધું ઠીકઠાક હતું. જે કંઈ વિધાનો થયા છે તેમાં કોઈ રાજકીય ભુકંપ જેવી વાત નથી.જેઓ અમારી સાથે આવવા માંગતા હોય તે આવી શકે છે અને ભવિષ્યના સાથી બની શકે છે.તેઓએ ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું કે મે એવું સાંભળ્યું છે કે તેમને નાગાલેન્ડમાં ગવર્નર પદની ઓફર થઈ છે.