– ૪ મેએ સરકારે વાઇન-બિયરની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી,પરંતુ લોકોએ મોટા પ્રમાણમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરતાં એ મંજૂરી પાછી ખેંચી લીધી હતી : હવે કેટલીક શરતો સાથે હોમ ડિલિવરીની આપી છે મંજૂરી
મુંબઇ તા. ૧૩ : મહારાષ્ટ્રમાં ગઇકાલે દારૂની હોમ ડિલિવરી માટેનો માર્ગ મોકળો થયો હતો.રાજય સરકારે લોકોની માગણી સ્વીકારતાં આવતી કાલથી જેઓ નશો કરે છે તેઓ દારૂની હોમ ડિલિવરી મેળવી શકશે.સરકારે ગઇકાલે કેટલીક શરતો સાથ દારૂના ઓનલાઇન વેચાણની મંજૂરી આપી છે.સરકારે આ બાબતે ગઇકાલે જાહેરનામું બહાર પાડયું હતું.દેશભરમાં લોકડાઉન જાહેર થયા બાદ ૪૦ દિવસ સુધી રાજયમાં વાઇન શોપ બંધ રખાઇ હતી.૪ મેએ લોકડાઉન-૩ માં વાઇન શોપ ખોલવાની મંજૂરી અપાયા બાદ મોટી સંખ્યામાં લોકોએ દુકાનો પર ગિરદી કરીને લોકડાઉનના નિયમનો ભંગ કરતાં સરકારે રાજયના મુંબઇ સહિતના અનેક શહેર અને જિલ્લામાં દુકાનો ફરી પાછી બંધ કરી દેવી પડી હતી.ભારતમાં દારૂની હોમ ડિલીવરી કરવા માટે કોઇ કાયદો નથી.જુદા – જુદા રાજયમાં દારૂ પીવા માટેના પણ વિવિધ કાયદા અમલમાં છે એથી દારૂની હોમ ડિલિવરીનો કાયદો સરકારે બનાવવો જોઇએ એવી માગણી ઇન્ટરનશનલ સ્પિરિટસ એન્ડ વાઇન અસોસીએશન ઓફ ઇન્ડીયા (આઇએસડબ્લુએઆઇ)એ કરી હતી.આનાથી સરકારની આવક વધવાથી ફાયદો થશે એવું એસોસિએશનના કાર્યકારી અધ્યક્ષ અમૃત સિંહે કહ્યું હતું.લોકડાઉનના સમયમાં દારૂની હોમ ડીલીવરી કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં ગયા શુક્રવારે સર્વોચ્ચ અદાલતે રાજયોને આ વિશે નિર્ણય લેવાની તાકીદ કરી હતી.આને પગલે મહારાષ્ટ્ર સરકારે ગઇકાલે લોકડાઉનના સમયગાળા દરમ્યાન દારૂની હોમ ડીલીવરી કરવાનું જાહેરનામું બહાર પાડયું છે.દરરોજ ર૪ લાખ લિટર દારૂ પિવાય છે.મહારાષ્ટ્રમાં દારૂનું વેચાણ કરતી ૧૦,૮રર દુકાનો છે,જેમાં દરરોજ ર૪ લાખ લીટર દારૂના વેચાણ સાથે વર્ષે ૮૬.૭ કરોડ લીટર દારૂ લોકો ગટગટાવી જાય છે.૩પ કરોડ લીટર દેશી દારૂ,ર૦ કરોડ લીટર વિદેશી દારૂ અને ૩૧ કરોડ લીટર બિયર તથા ૭૦ લાખ લીટર વાઇનનું વેચાણ થાય છે.
હોમ ડિલિવરીનો શરતો
૧. લાઇસન્સ ધરાવતા દુકાનદારો દારૂનું વેચાણ કરી શકશે
ર. દુકાનદારો ઓર્ડર સિવાય દારૂનું વેચાણ નહીં કરી શકે
૩. નકકી કરાયેલા દિવસ અને સમયે દારૂની હોમ ડિલિવરી કરી શકાશે
૪. ડિલિવરી કરનારે માસ્ક પહેરવાની સાથે પોતાની સાથે સેનિટાઇઝર રાખીને વારંવાર હાથ ચોખ્ખા કરવા પડશે.
પ. લોકડાઉન હશે ત્યાં સુધી આ નિયમ પાળવાના રહેશે

