મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં રાજ ભવન ખાતે જળ ભુષણ મકાન અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ધાટન કર્યું.રાજ્યના ગવર્નર ભગત સિંઘ કોશિયારી અને રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ અન્યો સાથે આ પ્રસંગે હાજર હતા.વડા પ્રધાને હાજર રહેલાઓને વટ પૂર્ણિમા અને કબીર જયંતિની લોકોેને શુભેચ્છા આપતા કહ્યું કે મહારાષ્ટ્રએ દેશને અનેક ક્ષેત્રોમાં પ્રેરણા આપી છે.તેમણે જગત ગુરુ સંત તુકારામ મહારાજ અને બાબાસાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકોને યાદ કર્યા.તેમણે જણાવ્યું કે આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજને યાદ કરતા દરેક ભારતીયમાં દેશભક્તિની ભાવના જાગે છે.વડા પ્રધાને રાજ ભવનના સ્થાપત્યમાં પ્રાચીન મૂલ્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સંસ્મરણો સમાયા હોવાની નોંધ કરી અને રાજ ભવનના લોકભવનમાં પરિવર્તનની ભાવનાની પણ પ્રશંસા કરી.
વડા પ્રધાને જણાવ્યું કે જાણતા અથવા અજાણતા આપણે દેશની સ્વતંત્રતાને અમુક ઘટનાઓ પૂરતી જ સીમિત રાખી છે જ્યારે એ તો અસંખ્ય સ્વાતંત્ર્યવીરોની તપસ્યાનું પરિણામ છે.તેમના માર્ગ ભલે ભિન્ન હોય પણ તેમનો ઉદ્દેશ એક જ હતો.વડા પ્રધાને બાલ ગંગાધર ટિળક,ચાફેકર બંધુઓ,વાસુદેવ બળવંત ફડકે અને મેડમ ભિકાજી કામાના ફાળાને પણ યાદ કર્યા હતા.પીએમ મોદીએ જણાવ્યું કે આ વિસરાયેલા નાયકોની અવગણના લાંબો સમય ચાલી.તેમણે યાદ કર્યું કે સ્વાતંત્ર્ય વીર શ્યામજી કૃષ્ણ વર્માના અવશેષ પાછા લાવવા દેશે લાંબો સમય રાહ જોવી પડી.મોદીએ જણાવ્યું કે મુંબઈ સ્વપ્ન નગરી છે પણ હવે મહારાષ્ટ્રના ઘણા શહેર ૨૧મી સદીમાં દેશના વિકાસ કેન્દ્રો બનશે.
ઉલ્લેખનીય છે કે જળ ભુષણ ૧૮૮૫થી મહારાષ્ટ્રના ગવર્નરનું સત્તાવાર નિવાસ સ્થાન રહ્યું છે.તેનો આયુષ્યકાળ પૂર્ણ થતા તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના સ્થાને નવા મકાનની મંજૂરી આપવામાં આવી.આ નવા મકાનની આધાર શિલા ૨૦૧૯માં દેશના રાષ્ટ્રપતિએ રાખી હતી.નવા મકાનમાં જૂના મકાનની તમામ લાક્ષણિકતા સાચવી રાખવામાં આવી છે.૨૦૧૬માં તત્કાલીન ગવર્નર વિદ્યાસાગર રાવને રાજ ભવનમાં બંકર મળી આવ્યું હતું.બ્રિટીશરો તેનો ઉપયોગ હથિયાર અને દારૃગોળાનો સંગ્રહ કરવા માટે કરતા હતા.બંકરનું નવીનીકરણ ૨૦૧૯માં કરાયું હતું.આ બંકરમાં ગેલેરી બનાવવામાં આવી છે જેનો ઉપયોગ ક્રાંતિકારીઓના સ્મરણમાં મ્યુઝીયમ તરીકે કરાયો છે.


