મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે શિવસેનામાં થઈ રહેલા બળવાથી દૂર રહીને પોતાની આગળની રણનીતિ પર કામ કરી રહી છે.અહેવાલ અનુસાર,શિવસેનામાં બળવો કરી રહેલા એકનાથ શિંદેને ભાજપે નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી છે.શિંદેને એક મેસેજ આપવામાં આવ્યો છે કે,તેમણે પોતાના ધારાસભ્યો સાથે રાજ્યમાં સરકાર બનાવવા માટે આગળ આવીને ભાજપ સાથે હાથ મિલાવવો જોઈએ.મહારાષ્ટ્રના 288 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવવા અને વર્તમાન MVA સરકારને તોડવા માટે ભાજપને 38 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.જો કે,પક્ષપલટો કરવા ઈચ્છુક ધારાસભ્યોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સ્પષ્ટતા નથી.જો બળવાખોર ધારાસભ્યોની સંખ્યા પર્યાપ્ત છે.તો સુત્ર કહે છે કે,ભાજપ એકનાથ શિંદે સાથે સમાન કરાર કરશે જે રીતે તેમણે નવેમ્બર 2019માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)નેતા અજિત પવાર સાથે કર્યો હતો.
અગાઉ થયેલી સમજૂતી મુજબ અજિત પવારને ડેપ્યુટી સીએમની ખુરશી મળી હતી.જ્યારે તેમની ટીમમાંથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.જોકે,આ ઉતાવળિયો કરાર 80 કલાક સુધી પણ ટકી નહોતો શક્યો.જેને મહાવિકાસ અઘાડી(MVA)સરકાર માટે માર્ગ મોકળો કર્યો હતો.દેવેન્દ્ર ફડણવીસની નજીકના એક સૂત્ર જણાવ્યું હતું કે,જો એકનાથ શિંદે આકરો કરાર કરે છે તો તેમની પાસે ધારાસભ્યોની સંખ્યાના આધારે વધુમાં વધુ 12 મંત્રી પદો ફાળવવામાં આવી શકે છે.સૂત્રના જણાવ્યા અનુસાર,શિંદેનો બળવો 2019માં અજિત પવારના બળવા સમાન છે.શિંદે સમુહને વધુમાં વધુ 12 મંત્રી પદ મળવાની ધારણા છે.જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાના ખાતામાં એટલા જ મંત્રી પદ ગયા હતા.
મહારાષ્ટ્રની સત્તા પરત ફરવાની સંભાવના સાથે દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયની બહાર ભાજપના નેતાઓની લાંબી કતારો જોવા મળી હતી.જોકે,મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ ચેતવણી આપતા કહ્યું હતું કે,અમે વર્તમાન પરિસ્થિતિ અંગે બોલવા માંગતા નથી.જો જરૂર પડશે તો ફડણવીસજી કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મોરચાથી નેતૃત્વ કરશે.આગામી સરકારની રચના અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.અહીં એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મેસેઝ આપ્યો છે કે,જો તેઓ વર્તમાન ગઠબંધનમાંથી બહાર નીકળીને ભાજપ સાથે સરકાર બનાવે છે તો આ બળવાનો અંત આવશે.


