મુંબઈ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે સ્ટેટ સીઈટી સેલ દ્વારા ઉચ્ચ તંત્ર શિક્ષણ વિભાગ અંતર્ગત વિવિધ ડિગ્રી અને માસ્ટર્સ કોર્સના એડમિશન માટે લેવાતી સીઈટી પરીક્ષા નીટ-જેઈઈને કારણે પાછળ ધકેલાઈ હતી.જે હવે ઑગસ્ટમાં થવાની છે અને તેનું વિગતવાર ટાઈમટેબલ સંબંધિત અધિકૃત વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) ની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે.નીટ અને જેઈઈ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં લઈ આ પરીક્ષા પાછળ ધકેલાઈ છે.આ પરીક્ષાઓ પહેલાં ત્રીજી જૂનથી ૧૦ જૂન વચ્ચે લેવામાં આવનાર હતી.પરંતુ જેઈઈ અને નીટની પરીક્ષાઓ સાથે તારીખો અથડાતાં હવે આ પરીક્ષા ઑગસ્ટના પહેલાં અઠવાડિયાથી શરુ થશે.જેનું વિગતવાર ટાઈમટેબલ વેબસાઈટ પર જાહેર કરાયું હોવાની માહિતી ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતે ટ્વિટ દ્વારા પણ આપી છે.અત્રે ઉલ્લેખનીય કે, બી.એ. બીએડ, બી.એસસી. બીએડ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષના લૉ, એન્જિનીયરીંગ અને ફાર્મસી, સ્પિચ લેંગ્વેજ પેથોલોજી, પ્રોસ્થોટિક્સ એન્ડ ઓર્થોટિક્સ સહિત અનેક વિષયમાં એડમિશન માટે આ પરીક્ષા લેવામાં આવે છે.જેમાં દર વર્ષે રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓ ભાગ લે છે.આ પરીક્ષા સંબંધિત કોર્સમાં એડમિશન લેવા માટે મહત્ત્વની માનવામાં આવે છે.


