સોલાપુર : મહારાષ્ટ્ર સ્થિત સોલોપુરમાં નમાજ પઢવા માટે ભેગા થયેલા 70થી વધારે લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળેલી જાણકારી પ્રમાણે ભવાની પેઠમાં ચિરાગ અલી મસ્જિદમાં સામુહિક નમાજ પઢવા માટે લોકો ભેગા થયા હતા. પોલીસે આ બધાને લોકડાઉનનો ભંગ કરવાના મામલે ધરપકડ કરી છે.
આ ઘટના પર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે મસ્જિદ સાથે જોડાયેલા લોકોને અપીલ કરી હતી કે તે લોકોને ભેગા થવા ન દે. કારણ કે કોરોનાનો પ્રસાર ઘણો વધી રહ્યો છે. આમ છતા લોકો ભેગા થયા હતા. અમે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે.
આ સાથે રાજ્યના ધુલેમાં નમાજ પઢવા માટે ભેગા થયેલા 36 લોકોની પોલીસે અટકાયત કરી હતી. ધુલેની આઝાદ નગર પોલીસે કાર્યવાહી કરી હતી અને મામલો નોંધ્યો છે.
આ પહેલા મહારાષ્ટ્ર સરકારે સક્રિયતા બતાવતા આ માર્ચમાં મુંબઈની પાસે આયોજીત થનાર દિલ્હીના નિઝામુદ્દીન જેવા ધાર્મિક આયોજનને સમય પહેલા રદ કરી દીધો હતો. સરકારે આ કાર્યક્રમને શરુઆતમાં મંજૂરી આપી હતી પણ પછી મંજૂરી પાછી લઇ લેવામાં આવી હતી. ગૃહમંત્રી અનિલ દેશમુખે આ જાણકારી આપી હતી. દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલું આયોજન કોરોના વાયરસ ફેલાવવાનું એક મોટું કારણ સાબિત થયું છે.