એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે.આ બધા વચ્ચે મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી.
મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો.અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા.મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વાઝેના સંબંધ કેવા છે.
NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે.આ કારને NIA પણ શોધી રહી હતી.પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે.મહારાષ્ટ્ર સરકારના સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર લાગેલા આરોપોની તપાસ માટે રાજ્ય સરકાર એક કમિટી બનાવી શકે છે જેને એક રિટાયર્ડ જજ લીડ કરી શકે છે.
આ અગાઉ મહારાષ્ટ્ર એટીએસએ વેપારી મનસુખ હિરેનની કથિત રીતે કરાયેલી હત્યાનું કોકડું પણ ઉકેલી નાખ્યો હોવાનો દાવો કર્યો હતો.આ કેસમાં ટીમે બે લોકોની ધરપકડ કરી છે અને એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેએ આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.

