સાવધાન! જો તમે સવિતુર્ ગાયત્રીનું અજાણતાં પણ અપમાન કરી રહ્યા છો, તો તેની ઊર્જાનો દુષ્પ્રભાવ માનવદેહ ઉપર ચોક્કસપણે દેખાશે! બ્રહ્માંડની પ્રચંડ શક્તિઓ ગાયત્રી મંત્રમાં સમાવિષ્ટ છે!
( લેખક : પરખ ભટ્ટ ) કોરોનાકાળ પૂર્વે મુંબઈના મારા એક વાચકમિત્ર સાથે બનેલી આ ઘટના આંખ ઉઘાડનારી છે.કેલિફૉર્નિયાથી એન્જિનિયરિંગ ભણીને મુંબઈ પરત ફરેલાં એ મિત્રનો અવાજ ધીરે ધીરે ચાલ્યો ગયો.બે વર્ષની અંદર તેની સ્વરપેટી અચાનક કામ કરતી બંધ થઈ ગઈ.પુષ્કળ મેડિકલ-રિપૉર્ટ્સ થયા,પરંતુ સ્વરપેટી બંધ થઈ જવાનું કારણ જડતું નહોતું. દવા,સ્પીચ-થેરાપી અને સર્જરી સુધીના વિકલ્પો પર નજર કરવામાં આવી. અરે, અંધશ્રદ્ધામાં ખપાવી શકાય એવા કેટલાક પ્રયોગો પણ થયા,પરંતુ કશું કારગત નીવડતું નહોતું.એવામાં આ વાત મારા સુધી પહોંચી.તેના રોજિંદા જીવનના ઊંડાણમાં ઉતર્યા બાદ ખબર પડી કે કારના રિવર્સ-મ્યુઝિક તરીકે તેણે ગાયત્રી-ધૂન સેટ કરી હતી! જ્યારે જ્યારે કારને રિવર્સ લેવાનો વખત આવે,ત્યારે ગાયત્રી મંત્રનું ગાયન શરૂ થાય અને અડધોપડધો મંત્ર વાગીને બંધ થઈ જાય! એમાંય મુંબઈ જેવા મોટા શહેરોમાં લોકોની અડધી જિંદગી રસ્તાના ટ્રાફિકમાં જ પસાર થઈ જતી હોય,ત્યારે તમે કલ્પના કરી શકો કે ગાયત્રી મંત્રનું આ પ્રકારે રિવર્સ-મ્યુઝિક તરીકે સાંભળવાની ઘટના એક દિવસમાં કેટલી બધી વખત થતી હશે!
સમસ્યાનું મૂળ જડ્યા બાદ સમયની સાથે એનું નિરાકરણ આવી ગયું અને એ વાચકમિત્રની સ્વરપેટી ફરી કામ કરતી થઈ ગઈ,પરંતુ મારો મુદ્દો છે ગાયત્રી મંત્રના યોગ્ય ઉપયોગનો! મોટાભાગના ઘરોમાં ગાયત્રી મંત્રને ગીત સ્વરૂપે કે ધૂન સ્વરૂપે વગાડવામાં આવે છે, જે અજાણતાં જ માનવ-મસ્તિષ્ક પર દુષ્પ્રભાવ પાડે છે, એ હકીકતથી આધુનિક સમાજ અજાણ છે.સવિતુર્ ગાયત્રી અંગે ઋગ્વેદમાં જણાવવામાં આવ્યું છે.અગત્યની વાત એ છે કે ઋગ્વેદ એ સંગીતનો ગ્રંથ નથી, શ્રુતિનો છે! સામવેદ છે, જેની ૯૦ ટકા ઋચાઓના મૂળમાં સંગીત છે.
વડીલો ધૂન વગાડીને સંગીતના માધ્યમથી બાળકોને ગાયત્રી મંત્ર શીખવવાની શરૂઆત કરે છે, એ જ સમસ્યા છે! બાળકો સમક્ષ તેનું પઠન કરો,ગાયન નહીં! ગાયત્રી મંત્રની ઊર્જાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો હોય, તો પુરુશ્ચરણ અથવા અમુક-તમુક માત્રામાં જપ કરવા પડે, અને બાદમાં અનુષ્ઠાન! ધારો કે, ૪૦ દિવસમાં ૧ લાખ ગાયત્રી મંત્રના જપનો સંકલ્પ લેવામાં આવે, ત્યારે મુદ્રાવિજ્ઞાન,ન્યાસવિજ્ઞાન,શુદ્ધિકરણ સહિત અનેક પરિબળો તેની સાથે જોડાઈ જાય.સાધક સિવાય આટલો સમય અન્યો પાસે ન હોય, એ સ્વાભાવિક છે.સામાન્ય જનજીવનમાં ગાયત્રી મંત્રનો શુદ્ધ અંતઃકરણ સાથે જપ થાય એટલું પૂરતું છે.આ જપ માનસિક પણ હોઈ શકે!
મને પૂછાતો સૌથી સર્વસામાન્ય પ્રશ્ન એ છે કે, સ્ત્રીઓ ગાયત્રી મંત્રનો પ્રયોગ કરી શકે? હા, જરૂર. વાલ્મિકી રામાયણમાં માતા સીતા સ્વયં જ્યારે ત્રિકાળ સંધ્યાને પ્રાધાન્ય આપતાં હોય,તો પછી આધુનિક સમાજની સ્ત્રીઓએ આ અંગે કોઈ દુવિધામાં રહેવાની જરૂર નથી.રજસ્વલા સ્ત્રીઓ માટે પણ ગાયત્રી મંત્રપ્રયોગ નિષેધ નથી, એ સ્પષ્ટીકરણ પણ અહીં જરૂરી છે.
માંડણકુંડલાના મહાન સંત અને પ્રખર ઉપાસક ગણાતાં બચુ અદાને ગાયત્રી સિદ્ધ હતાં,એવું કહેવાતું.પરિવારજન હોવાને નાતે એમના ઘણાં સાક્ષાત્કારો અનેક લોકો પાસેથી અમને સાંભળવા મળતાં.એવી જ રીતે, આધુનિક સમયના બે દેવી ઉપાસકો શ્રી એમ અને ઓમ સ્વામી પણ ગાયત્રી મંત્રવિજ્ઞાન પર ખાસ્સું કામ કરી ચૂક્યા છે.ઓમ સ્વામીએ તો એમના અંગ્રેજી પુસ્તક ‘હિડન પાવર ઑફ ગાયત્રી મંત્ર’માં પોતાની ગાયત્રી-સાધના અંગે વિસ્તૃત વર્ણન કર્યુ છે.સાધના વેળાના એમના અનુભવો,ગાયત્રી સિદ્ધ થયા બાદની અનુભૂતિઓ અને ગાયત્રી મંત્રસાધના માટે જરૂરી તમામ બાબતો વિશે તેમાં વિગતવાર ચર્ચા થઈ છે.
રોજિંદા જીવનમાં નિશ્ચિત સંકલ્પ અને શુદ્ધ અંતઃકરણ સાથે નિરંતર ગાયત્રી મંત્રજપ કરવામાં આવે,તો થોડા સમયના અંતરાલ બાદ તેનો પ્રભાવ દેખાવા માંડે છે.શ્રદ્ધા પર અવલંબિત આ ગૂઢ વિજ્ઞાન સાધકની પરીક્ષા લે છે,તેની આસ્થાની ચકાસણી પણ કરે છે. જો યોગ્ય રીતે વિધિ કરવામાં આવે, તો ગાયત્રી-સાધના માટે દીક્ષાની પણ જરૂરિયાત રહેતી નથી.સાધક પોતાના અંતરાત્મામાં બિરાજતાં શ્રી ગુરુને નમન કરીને પણ સાધનાનો પ્રારંભ કરી શકે છે.શબ્દ-મર્યાદાને કારણે અહીં સંપૂર્ણ વિધિ આલેખવી તો અશક્ય છે.એટલું જાણી લો કે, મંત્રવિજ્ઞાનનો ઉપયોગ જેમ ફાવે એમ કરવાને બદલે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે,તો એ પણ આધુનિક ઉપકરણોની માફક રોજબરોજના જીવનમાં તેનો પ્રભાવ જોઈ શકવો સંભવ છે!
bhattparakh@yahoo.com