અમદાવાદ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રિવેન્ટિવ રેસ્ક્યુ વિભાગ,વિકાસગૃહ ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી.
ઘટનાની વિગતો પ્રમાણે માનસિકરૂપે અસ્થિર એવી ગર્ભવતી મહિલાને ટોઈલેટમાં જ પ્રસુતિ થઈ ગઈ હતી.આ કારણે નવજાત બાળક કમોડમાં પડ્યું હતું અને તેનું માથું ફસાઈ ગયું હતું.આ ઘટના અંગે જાણ થતાં જ ફાયરબ્રિગેડના 25 જવાનો અને અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગર્ભવતી મહિલાને કુદરતી હાજતે ગયા ત્યાં જ ડિલીવરી થઈ જતાં વિકાસગૃહમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી.જોકે ફાયરવિભાગે ગણતરીની મિનિટોમાં કમોડ તોડીને નવજાત બાળકીને બચાવી લીધી હતી.ત્યાર બાદ 108ની મદદથી બાળકી અને તેની માતાને એસવીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.આ સમગ્ર ઓપરેશનમાં 25 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો.પ્રથમ તો આજુબાજુની ટાઈલ્સ તોડીને કમોડ સાથે બાળકીને બહાર કાઢવામાં આવી હતી.બાળકીનું માથું કમોડમાં ફસાયેલું હતું માટે તેને ઈજા ન પહોંચે તે રીતે કમોડને તોડવામાં આવ્યું હતું અને તેને બચાવી લેવામાં આવી હતી.આજથી એટલે કે, 14મી એપ્રિલથી નેશનલ ફાયર સર્વિસ વિક શરૂ થઈ રહ્યું છે ત્યારે લોકોની સેવા માટે ખડેપગે હાજર રહેતા ફાયર વિભાગે એક નવજાતને નવું જીવન પ્રદાન કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.


