એમ્સ્ટેલવીન : મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારત તેની આખરી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ૩-૪થી હારી ગયું હતુ.આમ છતાં ભારતની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવાની આશા હજુ જીવંત છે.ભારતે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવા માટે હવે ૧૦મી જુલાઈએ રમાનારી સ્પેન સામેની ‘પ્રિ-ક્વાર્ટર ફાઈનલ’માં જીતવું જ પડશે.
ભારત તરફથી વંદના કટારિયા,લાલ્રેમ્સિમી અને ગુરજીત કૌરે ગોલ નોંધાવ્યા હતા.જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ઓલિવિયા મેરી,ટેસ્સા જોપ અને ફ્રાન્સેસ ડેવિસે ગોલ કર્યા હતા.એક તબક્કે ભારત ૧-૩થી પાછળ ધકેલાયું હતુ.જોકે લાલ્રેમ્સિમીએ ગોલ ફટકારતાં ભારતના સ્કોરને ૨-૩ પર પહોંચાડયો હતો.આખરી છ મિનિટ બાકી હતી,ત્યારે મેરીએ બીજો ગોલ ફટકારતાં ન્યુઝીલેન્ડ ૪-૨થી આગળ થઈ ગયું હતુ.આખરી બે મિનિટ બાકી હતી,ત્યારે ગુરજીતે ગોલ નોંધાવ્યો હતો.જોકે તે ટીમને જીતાડી શકી નહતી.
ભારતે ગૂ્રપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ અનેચીન સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી.જ્યારે એક મેચમાં તેનો પરાજય થયો હતો.ભારતને ક્રોસ ઓવર તરીકેની પ્રિ-ક્વાર્ટરમાં સ્પેન સામે ૧૦મી જુલાઈએ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૩૦થી રમવાનું છે.તેમાં જો જીત મળશે તો ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે.યજમાન સ્પેન બે જીત અને એક હાર સાથે તેના ગૂ્રપમાં બીજા સ્થાને રહ્યું હતુ.


