– નાસિકથી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો
બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ એક બોલેરો પિકઅપ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે.આ વિદેશી દારૂ નાસિકથી ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો બોલેરો પિકઅપમાં બનાવેલ ચોરખાનામાંથી પોલીસે 1,95,600 ના દારૂ સહિત કુલ 3,98,160 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસો મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ નંબર-જીજે-05-બીએક્સ-6228 માં પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો નાસિકથી ભરી સાપુતારા – વઘઇ થઈ અનાવલ થઈ સુરત શહેરમાં જનાર છે.જે હકીકતના આધારે એલસીબીની ટીમે મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો.અને પાછળના ભાગે તપાસ કરતાં ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 1392 બોટલ કિંમત રૂ. 1,95,600 ના જથ્થા સાથે ચાલક દેવેન્દ્ર ઉર્ફે દેવરાજ ખુમારામજી મેઘવાલ (રહે, શિવાજી કોલોની, ડિંડોરી, નાસિક મહારાષ્ટ્ર, મૂળ રહે, રૂપવાસ ગામ, જી-પાલી, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ,પિકઅપ ટેમ્પો,મોબાઈલ ફોન તેમજ રોક્ડ રકમ મળી કુલ રૂ, 3,98,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ શની વાઘમારે (રહે, નાશિક) તથા રાજુ સોની (રહે, સુરત શહેર) ને વોંટેડ જાહેર કરી એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.