બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદીમાં જળસ્તર વધી રહ્યું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી રહી છે. જેને લઈ અંબિકા નદી ઉપર આવેલ મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં બીજીવાર છલકાતા આ દ્રશ્ય જોવા માટે આજુબાજુના ગ્રામજનો ઉમરા ખાતે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે. ઉપરવાસમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ અંબિકા નદી ગાંડિતુર બની છે. અને અંબિકા નદીમાં હજુ જળસ્તર વધી રહ્યું છે. ઉમરા ગામે આવેલ મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજીવાર છલકાયો છે.અને આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા.