મહુવા : સુશાસનના પાંચ વર્ષ સૌના સાથ અને સૌના વિકાસના હેઠળ આજે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.સુરત જિલ્લાના મહુવા ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી.
આજે 27 મો વિશ્વ આદિવાસી દિવસ હોય સુરત જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર ઉજવણી કરાઈ હતી.ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાની જી.એચ.ભકત હાઈસ્કુલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ હતી.રાજ્ય કક્ષાના વન, આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ સામાજિક,આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા હોવાનું જણાવ્યું હતું.ઉજવણી વેળાએ આદિવાસીબંધુઓએ પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઇને નૃત્ય ગાન,વાજીત્રોની સુરાવલીઓ સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દેશમાં 8 ટકા જેટલી વસ્તી આદિવાસી સમુદાય ધરાવે છે.ત્યારે ખાસ કરીને આઝાદીની લડતમાં આદિવાસી બાંધવોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.આદિવાસી સંસ્કૃતિનું જતન અને સવર્ધન થાય તે માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી હોવાનો પણ મંત્રી રમણ પાટકર દ્વારા દાવો કરાયો હતો.રાજય સરકાર આગામી પાંચ વર્ષ માટે આદિવાસીબાંધવોને શહેરોની માફક સુવિધાઓ મળી રહે તે માટે એક લાખ કરોડ ખર્ચવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં થયેલ ઉજવણીમાં સ્થાનિક ધારાસભ્ય મોહન ધોડિયા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા હતા.


