મહુવા : મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીની મબલખ આવક થતા જગ્યાના અભાવે ડાયરેક્ટ માલ ખરીદી શરૂ કરાઇ હતી.જ્યારે ડિહાઇડ્રેશન પર તેને ઉતારવાની મંજુરીમાં ઘટાડો કરાતા મજુરોને પુરી મજુરી નહીં મળતા વિરોધ નોંધાવ્યો હતો.જો કે, આજે યાર્ડમાં જગ્યા થતા અને ચર્ચા વિચારણા બાદ ફરી યાર્ડમાં માલ ઉતારીને જ વેચાણ કરવાની પ્રથા અને મજુરી રાબેતા મુજબ થતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસોથી સફેદ ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં થતા એક તબક્કે ક્યાં ઉતારવી તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો જેથી યાર્ડમાં ઉતાર્યા વગર અને સીધે સીધા વાહનોના સોદા પાડવામાં આવતા ખરીદનાર વેપારીને ક્વોલીટીમાં રીસ્ક મળતા મજુરીના ભાવ ઘટાડયા હતાં જેને પગલે મજુરોએ વિરોધ નોંધાવ્યો હતો.જો કે, વેપારી અને ખેડૂત ભાઇઓ બંનેની માંગણી યાર્ડમાં હરરાજી કરવાની જ હતી જેથી માલનું પુરૂ વળતર મળે અને મજુરોને પુરતી મજુરી મળે પરંતુ આવક વધતા આ પ્રશ્ન પેચીદો બન્યો હતો અને એક તબક્કે ડુંગળીની આવક બંધ કરવી પડી હતી.જો કે, હાલ યાર્ડમાં જગ્યા થતા અને વેપારી-ખેડૂતોનો પ્રશ્ન પણ હલ થતા આજે મળેલ બેઠકમાં સમાધાન કરાયું હતું અને સમગ્ર પ્રક્રિયા પૂર્વવત કરી યાર્ડમાં સફેદ ડુંગળીની આવક શરૂ કરી દેવામાં આવી હતી.


