– વિમલ ઓઇલ એન્ડ ફુડ લિમિટેડની મુશ્કેલી વધી, ડિરેક્ટરોએ ભેગા મળીને બેન્કોમાંથી લોન લીધી અને ચૂકવણી કરી નહીં,સીબીઆઇએ કાર્યવાહી કરી
ઉત્તર ગુજરાતના મહેસાણા સ્થિત ઓઇલ મીલ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના અધિકારીઓએ 700 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતાં આ ઓઇલ મીલના સંચાલકો અને ડિરેક્ટરોની મુશ્કેલી વધી છે.મહેસાણાની વિમલ ઓઇલ એન્ડ ફુડ લિમિટેડના ડિરેક્ટરોએ 678 કરોડ રૂપિયાની બેન્ક લોનમાં ફ્રોડ કર્યો છે તેથી સીબીઆઇએ કંપ્ની તેમજ તેના ડિરેક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.
બેન્ક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેન્કોના સમૂહે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવીને એવો આક્ષેપ કર્યો હતો કે વિમલ ઓઈલ અને ફૂડ લિમિટેડ તથા તેના ડિરેક્ટર્સ જયેશભાઈ ચંદુભાઈ પટેલ,મુકેશકુમાર નારાયણભાઈ પટેલ,મોના જિગ્નેશ આચાર્ય તથા તથા બીજા અજાણ્યા લોકોએ ભેગા મળીને 698.93 કરોડનો બેન્ક ફ્રોડ આચર્યો છે.આ લોન 2014 થી 2017ના સમયગાળા દરમ્યાન લેવામાં આવી હતી.બેન્ક ઓફ ઈન્ડીયા અને અન્ય આઠ બેન્કના આરોપ અનુસાર, વિમલ ફૂડ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરોએ લોન લઇને બેન્કોને પરત ચૂકવણી કરી નથી તેથી બેન્કોએ એકત્ર થઇને સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી.સીબીઆઇએ તેની કાર્યવાહી દરમ્યાન તમામ ડિરેક્ટરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ કેસમાં ડિરેક્ટરોની ધરપકડ અને મિલકતોની જપ્તી થઇ શકે છે.


