મહેસાણા : મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ મથકો, હેડ ક્વાર્ટર સહિત વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ૩૩૩ જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના આદેશ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.લોકરક્ષકથી લઈને એએસઆઈ સુધીના હોદ્દા ધરાવતા હથિયારધારી તેમજ બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૩૩ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે.જિલ્લામાં સમયાંતરે થોડી સંખ્યામાં પોલીસ અધિકારીઓની તેમજ કર્મચારીઓની વિવિધ કારણોસર કે માગણીથી આંતરિક બદલીઓ કરવામાં આવતી હોય છે પરંતુ એક સાથે જિલ્લાના ૩૩૩ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના હથિયારધારી અને બિનહથિયારધારી મહિલા અને પુરૂષ કર્મચારીઓનો સમાવેશ થાય છે.જિલ્લાના તમામ પોલીસ મથકોમાંથી ઓછા-વત્તા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે.
જેમાં સૌથી વધુ વિસનગર શહેર પોલીસ મથકમાંથી ૩૪ કર્મચારીઓની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.જ્યારે બીજા નંબરે વિજાપુર પોલીસ મથકના ૩૦ અને ત્રીજા નંબરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના ૨૯ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે.આ સિવાય મહેસાણા તાલુકા પોલીસ મથકના ૨૧, મહેસાણા શહેર એ ડિવિઝનના ૧૩, કડી ૧૨, બાવલુ ૧૧, નંદાસણ ૭, લાંઘણજ ૧૮, સાંથલ ૮, બહુચરાજી ૭, મોઢેરા ૯, વિસનગર તાલુકા ૧૩, વડનગર ૧૯, વસાઈ ૧૧, ખેરાલુ ૧૫, ઊંઝા ૧૭, લાડોલ ૧૭, ઉનાવા ૪, સતલાસણા ૭, પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાંથી ૧, પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ૧૯, એમટી સેક્સન મહેસાણાના ૭, મહિલા પોલીસ સ્ટેશનેથી ૧, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી ૨, સ્મેક કન્ટ્રોલરૂમમાંથી ૧ તેમજ એલઆઈબી મહેસાણામાંથી ૧ પોલીસ કર્મચારીની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.મોટાભાગના પોલીસ કર્મચારીઓની બદલી વહીવટી કારણોસર,કેટલાકની પાદરના ખર્ચે બદલી કરાઈ છે.