– કોઇપણ સહકારી સંસ્થાની ચૂંટણી લડતા પહેલાં કોર્ટન પરવાનગી લેવાનો નિર્દેશ
અમદાવાદ, મંગળવાર : મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને માણસા તાલુકાની ચરાડા ગામની દૂધ ઉત્પાદન મંડળીના કારોબારી સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા અંગેની ગાધીનગર જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ પર ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે.આદેશ સાથે હાઇકોર્ટે શરત મૂકી છે કે કોઇપણ સહકારી સંસ્થામાં ચૂંટણી લડતા પહેલાં કે ઉમેદવારી નોંધવાતા પહેલાં તેમણે હાઇકોર્ટની મંજૂરી લેવાની રહેશે.
મહેસાણા ડેરીમાં ગેરરીતિના આરોપસર વિપુલ ચૌધરી સામે સહકારી બાબતોના રજિસ્ટ્રારે વર્ષ ૨૦૧૫માં આદેશ કર્યો હતો કે વિપુલ ચૌધરી છ વર્ષ સુધી કોઇપણ સહકારી સંસ્થામાં હોદ્દો ધારણી કરી શકશે અને અને આ માટે તેમને ગેરલાયક ઠેરવતો હુકમ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણય યથાવત્ રાખ્યો હતો.આમ છતાં ગાંધીનગરના જિલ્લા રજિસ્ટ્રારના ધ્યાને આવ્યું હતું કે ૨૦૧૫ના આદેશ છતાં વિપુલ ચૌધરી માણતા તાલુકાના ચરાડા ગામની મંડળીમાં કારોબારી સભ્ય તરીકે ચાલુ રહ્યા હતા અને જુલાઇ-૨૦૧૭ની કારોબારી સમિતિની ચૂંટણીમાં ભાગ લઇ હોદ્દો પણ ધારણ કર્યો હતો. જેથી તેમને સપ્ટેમ્બર-૨૦૨૦માં હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ અપાયો હતો અને જુલાઇ-૨૦૨૦માં તેમને ગેરલાયક ઠેરવવા બાબતની શો-કોઝ નોટિસ અપાઇ હતી.
આ નોટિસને વિપુલ ચૌધરીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પડકારતા સિંગલ જજે અરજી ફગાવી હતી અને હવે તેમણે ડિવીઝન બેન્ચમાં અપીલ કરી છે.કોર્ટની ખંડપીઠે શો-કોઝ નોટિસ પર વચગાળાનો સ્ટે આપ્યો છે અને શરત રાખી છે કે કોઇપણ સહકારી સંસ્થાની ચૂંટણી લડતા પહેલાં કે ઉમેદવારી નોંધાવતા પહેલાં વિપુલ ચૌધરીએ હાઇકોર્ટની મંજૂરી લેવાની રહેશે.