સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં બોરિદ્રા ચાર રસ્તા નજીકથી કોસંબા પોલીસે એક પીકઅપ ટેમ્પા માંથી 8 જેટલી ગાયોને ઉગારી લીધી છે.ટેમ્પામાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક અને ઘાસચારાની સગવડ વગર હેરાફેરી કરવામાં આવી રહી હતી.જ્યારે ટેમ્પાનો ચાલક અને ક્લીનર ફરાર ભાગી છૂટ્યા હતા.પોલીસે ટેમ્પો અને 8 ગાયો મળી કુલ રૂ, 2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોસંબા પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ગૌરક્ષકોની ટીમે એક શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરતાં પીકઅપ ટેમ્પાનો ચાલક અને ક્લીનર બોરિદ્રા ચાર રસ્તા નજીક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યા છે. ઘટના સ્થળે પહોંચેલ કોસંબા પોલીસની ટીમે પીકઅપ ટેમ્પો નંબર જીજે-05-બીઝેડ-9074 ની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક 8 જેટલી ગાયો બાંધેલ નજરે પડી હતી અને આ ગાયોને ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા રાખ્યા વગર અને કોઈપણ જાતની પાસ પરમિટ વગર હેરાફેરી કરવામાં આવી રહી હતી.કોસંબા પોલીસે 2 લાખનો ટેમ્પો તેમજ 64 હજારની ગાયો મળી કુલ રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


