બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવતા જતાં લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના ટાઈમ બજારના અંકો લખી પૈસા વડે હારજીતનો જુગાર રમાડી રહેલ એક શખ્સને રેન્જ આઇજીની ઓપરેશન ગૃપની ટીમે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી કુલ 26,290 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો,
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત રેન્જ આઇજીના ઓપરેશન ગૃપના પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે બજારમાં આવેલ જલારામ કોલ્ડરીંક્સ દુકાનની બહાર ભલો મોદી નામનો વ્યક્તિ મુંબઈથી નીકળતા વરલી મટકાના ટાઈમ બજારના અંકો ઉપર હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઘટના સ્થળે રેડ કરી હતી.તે દરમ્યાન ધર્મેશ ઉર્ફે ભલો કિશોરભાઇ મોદી (રહે, વાંકલ ગામ, મંદિરફળિયું) આવતા જતાં લોકો પાસે વરલી મટકાના અંકો લખાવી જુગાર રમાડતા ઝડપાય ગયો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂ. 24,290 તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 2000 મળી કુલ 26,290નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસને જોઈ ભાગી જનાર જલીલ પઠાણ (રહે, આંબાવાડી ગામ, તા-માંગરોળ) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.