અમદાવાદ : પિતાના અવસાન બાદ માતા દીકરીનું ધ્યાન રાખતી ન હતી,જ્યારે અન્ય ત્રણ સંતાનોનું વિશેષ ધ્યાન રાખતી હતી.ઉપરાંત 21 વર્ષિય દીકરીને પણ સારી રીતે રાખતી ન હતી.જેથી દીકરી આપઘાત કરવા માટે પહોંચી ગઈ હતી.આ અંગેની જાણ અભયમની ટીમને થતાં 181ની ટીમ ઘટના સ્થળે પહોંચીને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું.જોકે દીકરીને તેના પરિવાર સાથે રહેવું ન હોવાથી તેને આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક વ્યક્તિએ 181 પર કોલ કરીને જણાવ્યું હતું કે,એક યુવતી આપઘાત કરવા જઈ રહી છે તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે કોઈનું માનતી નથી,માત્ર તેને આપઘાત કરવો છે તેમ જણાવી રહી છે જેથી મદદ માટે આવવા વિનંતી.કોલ મળતાની સાથે જ અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવતીની પૂછપરછ કરી હતી.જો કે યુવતી પહેલાં તો કંઈ બોલવા તૈયાર ન હતી.
બાદમાં તેને શાંત્વના આપતા તેણે જણાવ્યું હતું કે,તેની ઉંમર 21 વર્ષની છે,ઘરમાં ચાર ભાઈ બહેન છે,પિતા એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાથી માતા ઘર ચલાવે છે.પરંતુ માતા ત્રણ ભાઈ બહેનોને સારી રીતે રાખે છે.યુવતી સાથે તેની માતાનો વ્યવહાર સારો નથી,ત્રણેય ભાઈ બહેનોને જમવાના સહિતની તમામ વસ્તુઓનું ધ્યાન રાખે છે પરંતુ યુવતીનું કંઈ જ ધ્યાન રાખતી નથી.જેથી માતા તેના જ સંતાનો વચ્ચે મતભેદ રાખતી હોવાથી યુવતીને તેના પિતા સાથે જવું હોવાથી તેણે આપઘાત કરવાનું વિચારીને આપઘાત કરવા આવી હોવાનું જણાવ્યું હતું.જેથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને દરેક સમસ્યાનું સમાઘાન આપઘાત કરવો તે યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.બીજી બાજુ યુવતીની માતાને પણ બોલાવીને તેમનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.જેથી યુવતીની માતાએ યુવતીની માફી માંગી હતી,પરંતુ યુવતીને તેના પરિવાર સાથે રહેવું ન હતું.જેથી અભયમની ટીમે યુવતીને આશ્રય ગૃહમાં મોકલી આપી મામલો થાળે પાડ્યો હતો.


