અમદાવાદ : તા.1 જુલાઈ 2022,શુક્રવાર : બનાસકાંઠા જિલ્લામાં એક માનસિક રીતે અસ્થિર અને મૂક એવી સગીરા દુષ્કર્મના કારણે ગર્ભવતી બનતાં તેણીની વિધવા માતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી સગીરાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી.જો કે,પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટીટયુટના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ સહિતના તજજ્ઞોના અભિપ્રાયને ધ્યાનમાં રાખી પીડિતા સગીરા અને તેના ગર્ભમાં રહેલા બાળકના હિતને ધ્યાનમાં રાખી જસ્ટિસ નીરલ મહેતાએ સગીરાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી ન હતી.
હાઇકોર્ટે પીડિતા સગીરાના ખોરાક,ન્યુટ્રીશન્સનું ધ્યાન રાખવા,તેણીની એકદમ ખરાબ આર્થિક પરિસ્થિતિને જોતાં તેણીને વળતર ચૂકવવા,સમયાંતરે તેણીની તબિયતનું ધ્યાન રાખવા સહિતના મુદ્દે પણ હાઇકોર્ટે સ્થાનિક કલેકટર,સ્થાનિક પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સહિતના સંબંધિત સત્તાવાળાઓને ઉદ્દેશીને આદેશો જારી કર્યા હતા.હાઇકોર્ટે પીડિતા સગીરાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધી રિપોર્ટ પણ અદાલત સમક્ષ રજૂ કરવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી જૂલાઇ માસમાં રાખી હતી.હાઇકોર્ટના નિર્દેશાનુસાર,પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટીટયુટના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ સહિતના તજજ્ઞાોએ પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરી અભિપ્રાય આપ્યો હતો કે,સગીરાને ૩૦ અઠવાડિયાનો ગર્ભ છે અને તેણીના ગર્ભના ગર્ભપાત કરવો હિતાવહ કે ઉચિત નથી.આ અભિપ્રાયને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે ઉપરોકત હુકમ કર્યો હતો.


