અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ની રીક્રીએશન કમિટીની મળેલી બેઠકમાં જોધપુર ખાતે ટૂંકમાં શરુ થનારા રીક્રીએશન સેન્ટરને વાર્ષિક ૧૬ લાખની મામૂલી રકમથી પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટથી આપવા નિર્ણય કરાયો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ભવિષ્યમાં બનનારા રીક્રીએશન સેન્ટર પણ આજ પેટર્નથી કોન્ટ્રાકટથી આપી દેવાશે એમ કમિટીના ચેરમેનનું કહેવુ છે.મ્યુનિ.માલિકીની જમીન ઉપર મ્યુનિ.તંત્રે બનાવેલા રીક્રીએશન સેન્ટર મામૂલી એવી રકમથી શા કારણથી કોન્ટ્રાકટથી અપાશે એવા સવાલના જવાબમાં ચેરમેને કહ્યુ,અમને તો ઉપરથી સુચના હોય એ મુજબ કમિટીમાં નિર્ણય કરીએ છીએ.
શહેરના જોધપુર વિસ્તારમાં તૈયાર થઈ રહેલા રીક્રીએશન સેન્ટરની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.પી.પી.પી.ધોરણે રીક્રીએશન સેન્ટર આપવાની દરખાસ્ત અંગે ચેરમેન રાજેશ દવેએ કહ્યુ,જોધપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર તંત્ર દ્વારા જ રીક્રીએશન સેન્ટર બનાવવામાં આવ્યુ છે.જો જગ્યા કોર્પોરેશનની હોય, સેન્ટરનું બાંધકામ મ્યુનિ.તંત્રે કર્યુ હોય તો પી.પી.પી.ધોરણે સેન્ટર ચલાવવા આપો છો એવી કઈ રીતે કહી શકાય? એવા પ્રશ્નના જવાબમાં ચેરમેને કહ્યુ,અમને તો ઉપરથી સુચના આપવામાં આવે એ મુજબ દરખાસ્ત મંજુર કરીએ છીએ.માનીતાઓને લાભ ખટાવવાના આશયથી મંજુર કરવામાં આવેલી આ દરખાસ્તમાં શહેરમાં ભવિષ્યમાં બનનારા રીક્રીએશન સેન્ટર પણ આ પેટર્નથી અપાશે એમ પણ ચેરમેનનું કહેવુ હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રીએશન કમિટીના ચેરમેન રાજેશ દવે તેમની સાથે ગનમેન રાખી ફરતા હોઈ આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપના કોર્પોરેટરોમાં પણ ચર્ચાનો વિષય બનવા પામી છે.ભાજપના કોર્પોરેટરોમાં થતી ચર્ચા મુજબ,રીક્રીએશન કમિટીના ચેરમેનને તેમની સાથે ગનમેન રાખવાની મંજુરી કોણે આપી? મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ સેક્રેટરીએ? કમિટીના ચેરમેન તેમની કેબિનમાં તેમની સાથે એક ગનમેન રાખે છે એ ઉપરાંત તેમની સાથે કારમાં પણ એક ગનમેન રાખતા હોવાની સત્તાધારી પક્ષના કોર્પોરેટરોમાં થતી ચર્ચામાં સાંભળવા મળ્યુ છે.


