નવી દિલ્હી,
ભારતમાં ઘરોના વેચાણમાં નાણાકીય વર્ષ 2020ના અંતિમ ત્રિમાસિક દરમિયાન 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.તેનું કારણ માર્ચમાં કોરોના વાયરસના પ્રભાવને રોકવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનને માનવામાં આવ્યું છે એમ પ્રોપર્ટી બ્રોકરેજ કંપની પ્રોપટાઇગર ડોટ કોમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ‘રિયલ ઇનસાઇટઃ Q4 FY20” શીર્ષક વાળા આ રિપોર્ટ અનુસાર માર્ચમાં સમાપ્ત ત્રિમાસિક દરમિયાન કુલ 69,235 યુનિટ્સ વેચવામાં આવ્યા,જ્યારે ગયા નાણાકીય વર્ષના આ ત્રિમાસિક દરમિયાન 93,936 યુનિટ્સ વેચાયા હતા.રિપોર્ટ અનુસાર, 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રિયલ એસ્ટેટ ડેવલોપર્સમાં નાણાં પ્રવાહિતાની મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
આને કારણે નવા યુનિટ્સ લોંચ આગલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 51 ટકા ઘટ્યા હતા.રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ભારતના ટોચના નવ આવાસીય માર્કેટમાં માત્ર 35,668 યુનિટ્સ લોંચ કરવામાં આવ્યા, જેમાં અમદાવાદ, બેંગલુરૂ,ચેન્નઇ,ગુરૂગ્રામ,હૈદરાબાદ,કોલકાતા, મુંબઇ, પુણે અને નોએડાનો સમાવેશ થાય છે. પાછલા નાણાકીય વર્ષની આ ત્રિમાસિકમાં આ બજારોમાં કુલ 72,932 યુનિટ્સ લોંચ કરવામાં આવ્યા હતા. ત્રિમાસિક-દર-ત્રિમાસિક આધાર પર ઘરોના વેચાણમાં 11 ટકાનો ઘટાડો આવ્યો,જ્યારે આ જ ગાળામાં યુનિટ્સ લોંચમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો હતો એમ ગ્રુપ સીઈઓ ધ્રુવ અગરવાલાએ જણાવ્યું હતું.