અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૯ અને ૧૧ની પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.જેમાં સ્કૂલોનેને પાળી પધ્ધતિથી શૈક્ષણિકકાર્ય કરાવવાની છુટ આપવામાં આવી છે.પરિપત્રમાં જણાવ્યુ છે કે, શાળાઓમાં જો વર્ગખંડો ઉપલબ્ધ ન હોય તો ત્યાં પાળી પધ્ધતિ અપનાવીને શૈક્ષણિક કાર્ય કરાવી શકાશે.જે શાળાઓમાં વર્ગ કરતાં સંખ્યા વધી જશે તેઓ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી બે પાળીમાં પણ સ્કૂલ ચલાવી શકશે.
કોરોનાના કારણે ચાલુ વર્ષે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.જેથી ધોરણ.૧૧માં પ્રવેશને લઈ સમસ્યા ઉભી થાય તેમ હતી.કારણ કે, ગત વર્ષના પાસ થયેલા વિદ્યાર્થીઓ કરતાં ધોરમ.૧૦ના નિયમિત વિદ્યાર્થીઓ ૩.૫૦ લાખ જેટલા વધુ છે.જેથી આ વર્ષે એક વર્ગમાં ૬૦ વિદ્યાર્થી બેસાડવાના નિયમમાં વધારે કરીને ૭૫ની છુટ અપાઈ છે.આ ઉપરાંત ૭૫ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની છુટ અપાઈ છે.૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી એક વર્ગમાં વિદ્યાર્થીઓને બેસાડવા શક્ય નથી.માટે આવા સંજોગોમાં કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેના માટે શાળાઓ પાળી પધ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરાવી શકે તેવી છુટ આપવામાં આવી છે. આ સિવાય પ્રાથમિક શાળા ધોરણ.૮માં ગયુ હોવાથી મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગો ખાલી પડેલા છે,જેથી આવી શાળાઓમાં ખાલી પડેલ વર્ગખંડોનો ઉપયોગ કરી શકાશે.શાળા વિકાસ સંકુલો કે તાલુકાના ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓને પ્રવેશ તે જ શાળા વિકાસ સંકુલ કે તાલુકામાં જ થાય તે મુજબ પ્રવેશ કાર્યવાહી માટે બોર્ડે દરેક શિક્ષણાધિકારીને તાકીદ કરી છે.


