સુરત : રીંગરોડના કૈલાશદીપ એપાર્ટમેન્ટમાં ક્રિષ્ના ટ્રેડીંગ નામે ઓફિસ ધરાવનાર યુવાને મિત્રતામાં મદદરૂપ થનાર કાપડ વેપારી અને તેની બહેન તથા મિત્રનો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી રૂ.7.19 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસમાં નોઁધાય છે.રીંગરોડ-માનદરવાજા સ્થિત ટ્રેડ હાઉસમાં મીતલ ફેશન નામે કાપડની દુકાન ધરાવતા નિરજ રાજેન્દ્ર અગ્રવાલ(ઉ.વ.25 રહે.બી/302,સ્મીતા પાર્ક,ઘોડદોડ રોડ,સુરત)ને સાતેક મહિના અગાઉ ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી રીંગરોડ સબજેલ સામે કૈલાશદીપ કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના ટ્રેડીંગ નામે ઓફિસ ધરાવતા પ્રદીપ તારાચંદ સિવીલ(રહે.603,રેખા પાર્ક એપાર્ટમેન્ટસ,સ્ટાર બજાર નજીક,અડાજણ)નો સંર્પક કર્યો હતો.કમિશન થકી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતા પ્રદીપ પાસે પોતાનો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવી રૂ.1 લાખની સામે કમિશન કાપી રૂ.97,200 લીધા હતા.ત્યાર બાદ બંને વચ્ચે સંબંધ ગાઢ થતા પ્રદીપને રૂપિયાની જરૂરિયાત હોવાથી નિરજે પોતાનો કાર્ડ સ્વાઇપ કરી પ્રદીપને રૂ.58 હજાર આપ્યા હતા.ત્યાર બાદ પણ પ્રદીપે મારે વધારે રૂપિયાની જરૂર છે એમ કહેતા નિરજે પોતાનો ઉપરાંત તેની બહેન નિકીતા અને મિત્ર રજત ખંડેલવાલનો ક્રેડિટ કાર્ડ અને પીન નંબર આપ્યા હતા.જે સ્વાઇપ કરી પ્રદીપે નિરજના કાર્ડમાંથી રૂ.2.98 લાખ,નિકીતના કાર્ડમાંથી રૂ.3.50 લાખ અને રજના કાર્ડમાંથી રૂ.71 હજાર મળી કુલ રૂ.7.19 લાખ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.પરંતુ ત્યાર બાદ આ રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કરતા નિરજે આ અંગે પ્રદીપ વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

