અમદાવાદ : વિશ્વ પર્યાવરણ દિવસથી મ્યુનિ.દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન આદરવામાં આવશે અને તેમાં હવાનુ પ્રદુષણ ઘટાડે તેવા વૃક્ષોનુ વધુમાં વધુ વાવેતર કરવામાં આવશે.મ્યુનિ.રિક્રીએશન કમિટી ચેરમેન રાજેશભાઇ દવેએ જણાવ્યું હતું કે,વિશ્વભરમાં વિવિધ કારણોસર કલાઇમેટ ચેન્જ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ રહી છે,જેને અટકાવવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ અને વનીકરણ છે.અમદાવાદ શહેરમાં પણ હવાનુ પ્રદુષણ ઘટાડે અને એર ક્વોલિટી સુધારવા માટે મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે,જે અંતર્ગત ૩ વર્ષમાં ૩૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.જેમાંથી અમુક વૃક્ષો સુકાઇ ગયા હોય ત્યાં નવા રોપા લગાવવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે,ચાલુ વર્ષે ચોમાસા પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસથી મિશન મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવશે.જેમાં પહેલાં બગીચા ખાતાએ ૧૫ લાખ જેટલાં વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, તેમાં રિક્રિએશન કમિટીએ સુધારો કરીને ૨૧ લાખ જેટલાં વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક આપ્યો છે.રિક્રિએશન કમિટી ચેરમેને કહ્યું કે,હવામાંથી પ્રદુષણ ઘટાડવા અને ઓક્સિજન વધારે તેવા વડ જેવા વૃક્ષો વાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હાકલ કરી છે અને તેના અનુસંધાને શહેરનાં તમામ વોર્ડમાં ૭૫-૭૫ વડ-પીપળો જેવા ઓક્સિજનનુ પ્રમાણ વધારે તેવા વૃક્ષો ઉછેરવામાં આવનાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરનાં હસ્તે સાબરમતી રિવર ફ્રન્ટનાં આંબેડકર બ્રિજ પાસેનાં પ્લોટમાં ૭૫ વડ તથા મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે,આ સિવાય થલતેજ સિંધુભવન રોડ ખાતેનાં આંબલી સરકારી પ્લોટમાં પણ ૭૫ વડ અને વૃક્ષારોપણ કરીને મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.મ્યુનિ.નાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંગે વધુ માહિતી આપતાં બગીચા ખાતાનાં ડાયરેકટર જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે,ગત વર્ષે વૃક્ષારોપણ પાછળ આઠ કરોડ જેટલો ખર્ચ થયો હતો અને ચાલુ વર્ષે વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધતાં નવ-દસ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.તેમણે કહ્યું કે,કેન્દ્ર સરકારની એર ક્વોલિટી સુધારવાની યોજના અંતર્ગત મ્યુનિ.ને વૃક્ષારોપણ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.બગીચા ખાતાનાં ડાયરેકટરે જણાવ્યું હતું કે,આ વખતે બે લાખ સ્કવેર ફૂટ જગ્યા-જમીન ઉપર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવનાર છે.અત્યારસુધીમાં શહેરમાં ૧૨૮ જેટલાં નાનામોટા ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.