– ભાજપ વોટબેન્કની નહીં પણ રાષ્ટ્ર હિતની વાત કરે છે અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે. આ જ ભરોસો વર્ષ 2022માં પણ ભાજપને લાભ કરાવશે.
ગાંધીનગર : 2022ની વિધાનસભા ચૂંટણીઓ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની પહેલી પ્રદેશ કારોબારી વર્ચ્યુઅલી યોજાઈ હતી.કારોબારીમાં ચૂંટણીલક્ષી તૈયારી સાથે કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરીને બિરદાવવામાં આવી હતી.કારોબારીમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિઓની રચના ઓગસ્ટ સુધી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી અને કહ્યું હતું કે કાર્યકરો અને પેજસમિતિઓ ભાજપની જીત માટે પાયો બનશે.
તેમણે કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીએ લીધેલા નિર્ણયો અને ઓક્સિજનના પુરવઠા માટેની વ્યવસ્થા માટે આભાર માન્યો હતો.સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીના કારણે ભારતમાં કોરોનાથી જાનહાની ઘટી અને લોકોને મદદ પહોંચી શકી.તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય ઠરાવ રજૂ કરતા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાકાળની કામગીરીની વાત કરી અને આ કપરાકાળમાં પણ ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે રહ્યા તેની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં આક્રમકતાથી રાજ્ય સરકારના નિર્ણયો અને સંગઠન સાથેના સંકલન પર વાત કરી હતી.તેમણે કહ્યું કે ભાજપે હંમેશા કમિટમેન્ટ પાળ્યા છે.પછી એ રામ મંદિર હોય કે કલમ 370. કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીની સમય સુચકતા અને નિર્ણયોના કારણે જનતાનો ભરોસો વધ્યો છે.
ભાજપ વોટબેન્કની નહીં પણ રાષ્ટ્ર હિતની વાત કરે છે અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે.આ જ ભરોસો વર્ષ 2022માં પણ ભાજપને લાભ કરાવશે.તેમણે કોંગ્રેસ અને આપ પર પણ નિશાન સાધ્યું હતું.વિરોધીને જડબાતોડ જવાબ આપવા માટે ભાજપના કાર્યકરોને આહવાન કર્યું હતું.ગુજરાત મોડલની ચર્ચાના કારણે જ દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકાર બની છે.
ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ પહેલી કારોબારી હતી જે વર્ચ્યુઅલી મળી હતી.સામાન્ય રીતે 2 દિવસ સુધી મળતી કારોબારી અડધા દિવસ માટે મળી હતી.જેમાં ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી દિલ્હીથી જોડાયા હતા. આ કારોબારીની શરૂઆતમાં જ કોરોનાકાળમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા રસીકરણના લક્ષ્યાંક સાથે ભાજપના કાર્યકરો લોકો વચ્ચે જશે.