મુંબઇ તા.26 : મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવિરસિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને એક સટ્ટાબાજે મુંબઇ પોલીસ સમક્ષ એવી ફરિયાદ નોંધાવી છે કે તેના સટ્ટાના વ્યવસાયને ચાલુ રાખવા માટે તથા ધરપકડથી બચવા માટે પરમવિરસિંહે રૂા.10 કરોડની માંગણી કરી હતી અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ 10 કરોડ તેણે પોલીસના એક સાથી અધિકારી પ્રદિપ શર્માને પહોંચાડવાના રહેશે.મહારાષ્ટ્ર પોલીસની સીઆઇડી દ્વારા આ અંગે તપાસ શરૂ થઇ છે અને પરમવિરસિંહ તથા તેના સાથીદારોએ મુંબઇમાં વસુલાતનું એક સામ્રાજય પણ ચલાવ્યુ હતું તેવુ બહાર આવ્યું છે.ક્રિકેટના સટ્ટા સાથે ઝડપાયેલા સોનુ જાલાનએ સીઆઇડી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને તેણે બતાવ્યું હતું કે મે 2018માં સટ્ટાબાજીના એક મામલામાં સોનુ જાલાનનું નામ ખુલ્યું હતું અને તેની ધરપકડ કર્યા બાદ તે સમયે થાણાના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા પરમવિરસિંહ પાસે તેમને લઇ જવાયો હતો અને પરમવિરસિંહે તેમની પાસેથી બીજા સટ્ટોડીયાની પણ માહિતી માંગી હતી અને એક મોટા મામલામાં ધરપકડ કરવાની ધમકી આપી રૂા.10 કરોડની રકમ આપવા જણાવ્યું હતું.આ પહેલા પણ પરમવિરસિંહ અને તેના સાથી અધિકારી પ્રદિપ શર્મા તથા એક ઇન્સ્પેકટર રાજકુમાર સામે ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

