મુંબઇ તા.13 : ખંડણીના કેસમાં ફસાઇ ગયેલા મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબિરસિંહની મુશ્કેલી વધતી જાય છે અને હવે તેમની સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.મુંબઇના પોલીસ કમિશ્નર તરીકે તેઓએ મહાનગરમાંથી રૂા.16 કરોડથી વધુની ખંડણી ઉઘરાવી હોવાનો આક્ષેપ થયા બાદ આ અંગે સીબીઆઇથી લઇ એન્ફોર્સમેન્ટ વિભાગ તપાસ કરી રહ્યુ છે અને મહારાષ્ટ્ર સરકારે તેમને હોમગાર્ડ વિભાગમાં હાલ મૂકયા છે.
જયારે વસુલીના આરોપમાં તેમની સામેના પૂરાવા પ્રાથમિક રીતે સાચા જણાતા હવે વધુ તપાસ થઇ રહી છે. 2018 જાન્યુઆરીથી 2019ના ફેબ્રુઆરી સુધી તેઓ થાણેના પોલીસ કમિશ્નર હતાં.ત્યારે આરોપીઓ પાસેથી ધમકી આપીને રૂા.1.25 કરોડ એકત્ર કર્યા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ લૂકઆઉટ નોટીસ તેમને દેશ છોડતાં રોકવા માટે જાહેર કરવામાં આવી છે અને તેમની સામેના બિલ્ડરના આરોપની પણ તપાસ થઇ રહી છે.કોઇ પૂર્વ પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી સામે લૂકઆઉટ નોટીસ જાહેર થઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે.