– સલમાન કેસની તપાસમાં 2 ગેન્ગનો પત્તો મળ્યો
– બોલીવૂડ સ્ટાર્સને ધાકધમકી આપી આતંકી પ્રવૃતિ માટે ખંડણી ઉઘરાવવાનો કારસોઃ નાંદેડ ઉપરાંત મુંબઈના સંપર્કો પર નજર
મુંબઇ : બોલીવૂડ પર ૯૦ના દાયકામાં અંડરવર્લ્ડનો ઓછાયો પડયો હતો.હવે ખાલિસ્તાની આતંકી સંગઠનો પણ બોલીવૂડ સ્ટાર્સને ધમકી આપી નાણાં પડાવવાની ફિરાકમાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીેસે ઊંડી તપાસ હાથ ધરતાં આ નવો ફણગો ફૂટયો છે.
પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી છે.બિશ્નોઈએ તથા તાજેતરમાં ઝડપાયેલા તેના શાર્પ શૂટર કપિલે પણ કબૂલ્યું છે કે તેમણે અગાઉ કાળિયાર શિકાર પ્રકરણ વખતે સલમાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો.જોકે, શાર્પ શૂટર દૂરથી નિશાન લઈ શક્યો ન હતો.બાદમાં તેમણે દૂરથી નિશાન લઈ શકાય તેવી ચાર લાખની વિદેશી રાઈફલ મગાવી હતી પરંતુ તે રાઈફલ પોલીસના કબજામાં આવી જતાં સલમાનને ઠાર કરવાનો પ્લાન ત્યારે નિષ્ફળ ગયો હતો.
એ પછી ફરી સલમાનના પિતા સલીમ ખાનને બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ ખાતે એક ચિઠ્ઠી મળી હતી જેમાં ખાન પિતા-પુત્રને ઠાર કરવાની ધમકી અપાઈ હતી.આ ચીઠ્ઠીની નીચે એલબી અને જીબી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.મુંબઇ પોલીસ આ ટુંકાક્ષરનો મતલબ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રાર તરીકે કાઢયો હતો.આ બંને ગેન્ગસ્ટરે મૂસેવાલની હત્યામાં અગ્રણી ભૂમિકા ભજવી છે.તેથી મુંબઇ પોલીસે તરત જ આ ચીઠ્ઠીને ગંભીરતાથી લઇ પ્રથમ સલમાન ખાનની અને તેના પરિવારજનની સુરક્ષા વધારી દીધી હતી અને બોલીવુડ પર ધાક જમાવી ખંડણી વસૂલવા માગતી આ ગેન્ગનો ઇલાજ કરવાની કાર્યવાહી શરૃ કરી દીધી હતી.
મુંબઇ પોલીસે મુખ્યત્વે બે ગેન્ગે પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ અને ખાલીસ્તાની ચળવળના સમર્થક બબ્બર ખાલસા ગેન્ગ સાથે જોડાયેલા હરવિંદર સિંહ રિંદાનો સમાવેશ થાય છે.આ ગેન્ગ દ્વારા બોલીવુડ પર વર્ચસ્વ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.આ પહેલા અંડરવર્લ્ડના ગેન્ગસ્ટરો જેવા કે રવિ પૂજારી,એઝાજ લાકડાવાલા,છોટારાજનને પોલીસે પકડી લીધા છે.હાલ આ તમામ ગેન્ગસ્ટરો લગભગ નિષ્ક્રીય જેવા છે તેના લાભ લઇ અન્ય ગેન્ગોએ મુંબઇના બોલીવુડ પર નજર ઠેરવી છે.
આ બધી ગેન્ગ મહારાષ્ટ્ર બહાર અને મુખ્યત્વે ઉત્તરભારતના રાજ્યોમાં ખૂબ સક્રીય છે.જો કે લોકલ ગેન્ગની મદદથી આ લોકો બોલીવુડમાં ખંડણીનું નેટવર્ક ચલાવવાના પ્રયાસો કરી રહી છે.તેથી હવે મહારાષ્ટ્ર પોલીસે અને મુખ્યત્વે મુંબઇ પોલીસે તેમને રાજ્યમાંથી મદદ કરતી લોકલ ગેન્ગને રડાર પર લઇ કાર્યવાહી આરંભી છે.આ સંદર્ભે મુંબઇ પોલીસના એક ઉચ્ચાધિકારીએ સ્પષ્ટ કર્યું હતુ કે આવી ગેન્ગ સામે કોઇ ગુના નોંધાયા ન હોવાથી તેમના સભ્યોની ધરપકડ કરી શકાતી નથી તેથી પોલીસે નિવારક પગલાંના ઉપાયરૃપે તેમની સામે એમપીડીએ ના કઠોર કાયદા હેઠળ પગલાં લેવાનું શરૃ કર્યું છે.
આ પહેલા પુણે પોલીસે મૂસેવાલા હત્યા કેસના એક શકમંદ સૌરભ મહાકાલની પણ ધરપકડ કરી હતી ત્યારે તેણે પોલીસની પૂછપરછમાં દાવો કર્યો હતો કે બોલીવુડના એક અગ્રણી નિર્માતા પણ બિશ્નોઇ ગેન્ગના રડાર પર છે.ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે બિશ્નોઇ ગેન્ગના એક મહત્વના મોહરા સમાન સંતોષ જાધવને પણ સપાટામાં લીધો હતો.જાધવ બિશ્નોઇ ગેન્ગની જડો મુંબઇમાં મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.આ ઉપરાંત જાધવ સામે નોંધાયેલી બે એફઆઇઆર હેઠળ પોલીસે કુલ ૧૪ જણની ધરપકડ કરી હતી.જાધવ સામે હાલ મકોકાના કઠોર કાયદા હેઠળ પણ કાર્યવાહી ચાલી રહી છે.જાધવે તેની પૂછપરછમાં પોલીસ સમક્ષ અન્ય ઘણા લોકોના નામ લીધા છે જે તેની સાથે કામ કરે છે. આ તમામને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવશે જેથી જાધવની ગેન્ગ અન્ય મોટી ગેન્ગના પગપેસારામાં મદદ ન કરે.
આ ઉપરાંત ખાલિસ્તાની ચળવળના ટેકેદાર એવા રિંદા સામે પણ મહારાષ્ટ્ર પોલીસે લાલ આંખ કરી તેની સાથે સંકળાયેલા ૨૧ જણ સામે કાર્યવાહી કરી છે.રિંદાને નાંદેડમાં સ્થાનિક સ્તરે અમૂક લોકોનો ભારે સપોર્ટ છે.પોલીસે હવે તેના સ્થાનિક સપોર્ટરને શોધી કાઢી આવી ગેન્ગને નેસ્તાનાબુદ કરવાના પ્રયાસો આરંભ્યા છે.