નવી દિલ્હી : મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી.વાતચીત બાદ અનિલ દેશમુખે મનસુખ હિરેન મામલે મોટો ખુલાસો કર્યો છે.તેમણે સ્વીકાર્યું કે મનસુખ હિરેનની હત્યા થઈ હતી.આ સાથે જ તેમણે કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરાશે.
રાજ્ય સરકાર કરી રહી છે તપાસમાં સહયોગ-અનિલ દેશમુખ
અનિલ દેશમુખે કહ્યું કે ‘એન્ટિલિયા પાસે મળી આવેલી વિસ્ફોટકો ભરેલી કાર અને મનસુખ હિરેન હત્યા કેસમાં NIA અને ATS ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.રાજ્ય સરકાર તપાસમાં NIA ને સહયોગ કરી રહી છે.મુંબઈમાં ઘટેલા ઘટનાક્રમ અંગે પણ પવાર સાહેબને જાણકારી આપી.’
નારાજ શરદ પવાર શું બદલશે ગૃહમંત્રી?
એનસીપી પ્રમુખ શરદ પવાર અને ગૃહમંત્રી અનિલ દેશુખ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ.સૂત્રોના જણાવ્યાં મુજબ અનિલ દેશમુખના પરફોર્મન્સથી શરદ પવાર નારાજ છે અને મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી બદલવાની ચર્ચાઓ તેજ થઈ છે.
મુંબઈના પોલીસ કમિશનરને હટાવાયા હતા
આ અગાઉ મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી નાખવામાં આવી અને તેમની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.પરમવીર સિંહની અચાનક થયેલી બદલીને એન્ટિલિયા કેસ સાથે જોડવામાં આવી રહી છે.પરમવીર સિંહને હાલ હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા છે.

