મુંબઈ : કોરોના મહામારીના કપરાકાળ બાદ બહાર આવી રહેલ દેશના અર્થતંત્રમાં ઝડપી રિકવરી જોવા મળી રહી છે.આ જ રિકવરીને પુરવાર કરતો વધુ એક આંકડો બહાર આવ્યો છે જેમાં દેશના ટોચના પ્રોપર્ટી માર્કેટમાં સુધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે.
મુંબઈમાં માર્ચ 2022માં આશરે રૂ. 1131 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી.સ્ટેમ્પ ડ્યુટીની આ રકમ અત્યાર સુધીની સૌથી વધુ માસિક વસૂલાત છે અને એક મહિનામાં સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો રેકોર્ડ બનાવ્યો છે.માર્ચ 2022માં રકમ ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલ રૂ. 875 કરોડના અગાઉના ઉચ્ચ રેકોર્ડ લેવલને વટાવી ગઈ છે.
મહારાષ્ટ્રના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશનના ડેટા અનુસાર, માર્ચમાં 16,152થી વધુ રહેણાંક સોદા થયા હતા.આ એકંદરે એક મહિનામાં થયેલ ત્રીજી સૌથી વધુ ડીલ છે.ફેબ્રુઆરી 2022ની સરખામણીમાં માર્ચ 2022માં માસિક ધોરણે મિલકત નોંધણીમાં 51 ટકાનો વધારો નોંધાયો હતો.
માર્ચ 2022માં સોદામાં વધારો જોવા મળવાનું કારણ સરકારે એપ્રિલથી મુંબઈ,થાણે,નવી મુંબઈ,પુણે,નાસિક અને નાગપુર શહેરોમાં 1 ટકા મેટ્રો સેસ વસૂલવાનો નિર્ણય કર્યો છે.આ સેસના કારણે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થવાની આશંકાથી મિલકતોની નોંધણીમાં તેજી આવી હતી.
કુલ રજિસ્ટ્રેશનમાંથી સૌથી વધુ રજિસ્ટ્રેશન રૂ. 1-5 કરોડના પ્રાઇસ બેન્ડમાં મકાનો માટે થયું હતું.જ્યારે એપાર્ટમેન્ટના કદના સંદર્ભમાં મધ્યમ કદના મકાનો (500 ચોરસ ફૂટ અને 1,000 ચોરસ ફૂટની વચ્ચે) સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા.માર્ચ 2022માં રજિસ્ટર્ડ પ્રોપર્ટીમાં મધ્યમ કદના ઘરોનું વર્ચસ્વ હતું.માર્ચ 2022માં કુલ રજીસ્ટ્રેશનમાં રૂ. 1 કરોડ અને તેનાથી ઓછી કિંમતની મિલકતોનો હિસ્સો 46 ટકા હતો, જે ફેબ્રુઆરી 2022માં 48 ટકા કરતાં ઓછો હતો.


