મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશમુખના નિવાસ સહિત પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.મુંબઈ તેમજ નાગપુર ખાતે EDની ૬ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેમાં દેશમુખના નાગપુર અને મુંબઈ ખાતેના નિવાસે પણ સર્ચ કામગીરી હાથ ધરાઈ હતી.આ અગાઉ ED એ ૨૫મી મેના રોજ દેશમુખના નિવાસે દરોડા પાડયા હતા.આ જ કેસના સંદર્ભમાં સીબીઆઈએ પણ ૨૪ એપ્રિલના રોજ દરોડાની કામગીરી હાથ ધરી હતી. CBI એ પણ તેમની ઓફિસ અને નિવાસના ૧૨ સ્થળો પર દરોડા અને સર્ચ કામગીરી હાથ ધરી હતી. દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો છે.ઈડી દ્વારા તપાસને આગળ વધારવા માટે વધુ પુરાવા એકઠા કરવા દરોડા પાડવામાં આવ્યા હોવાનું મનાય છે. ઈડીએ આ કેસમાં દેશમુખના પીએ કુંદન શિંદે તેમજ પર્સનલ સેક્રેટરી પલાંદેની મુંબઈમાં બાલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઓફિસમાં લઈ જઈને પૂછપરછ કરી હતી.
રૂ. ૧૦૦ કરોડની ખંડણી વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અઢી-ત્રણ મહિના પહેલાં સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો જેમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવાયો હતો કે તેમણે મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વઝેને દર મહિને રૂ. ૧૦૦ કરોડની ખંડણી વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.
બાર માલિકો દ્વારા દેશમુખ પર ગંભીર આરોપ
ઈડીએ દાવો કર્યો હતો કે મુંબઈના ૧૦ બાર માલિકોએ દેશમુખને તેઓ જ્યારે રાજ્યના ગૃહપ્રધાન હતા ત્યારે ૩ મહિના માટે રૂ. ૪ કરોડની રકમ ચૂકવી હતી.આવી સનસનાટીભરી માહિતી મળ્યા પછી ઈડીએ આ રકમ શોધી કાઢવા સર્ચ અને દરોડાની કામગીરી શરૂ કરી છે.ઈડીએ આ મામલે ૧૦ બાર માલિકોનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.
તપાસ સંસ્થાઓનો ઘોર દુરુપયોગ : સુપ્રિયા સૂલે
એનસીપી સાંસદ સુપ્રિયા સૂલેએ આક્ષેપો કર્યા હતા કે ભાજપની સરકાર દ્વારા કેન્દ્રીય તપાસ સંસ્થાઓનો આવો ઘોર દુરુપયોગ અગાઉ ક્યારેય જોયો નથી.અમારી પાર્ટી આની સામે લડત આપશે તેમ એનસીપી નેતા અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સૂલેએ કહ્યું હતું.
મુંબઈમાં ૪ અને નાગપુરમાં ૧ સ્થળે દરોડા
– જ્ઞાનેશ્વરી બંગલો
– સરકારી નિવાસ,સુખદા ટાવર
– કુંદન શિંદેનાં વરલીના નિવાસે
– દેશમુખના PA સંજીવ પલાંડેના નિવાસે
– દેશમુખના PS ના નાગપુરવાળા નિવાસે