મુંબઈ : બોલીવુડના અભિનેતા સુશાંતસિંઘની આત્મહત્યાના પગલે ચાલી રહેલી ડ્રગ કાંડની તપાસમાં આજે બોલીવુડની ગ્લેમર્સ જેવી ત્રણ અભિનેત્રીઓ પુછપરછનો સામનો કરવા હાજર થતા સમગ્ર એરીયામાં ટીવી કેમેરામેન-પત્રકારોનો જબરો જમેલો થયો હતો અને પોલીસને ટ્રાફીક વ્યવસ્થા સંભાળવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દિપિકા પદુકોણે સવારે 10 વાગ્યે તેના પતિ અને અભિનેતા રણવીરસિંઘ સાથે પહોંચી હતી.
જો કે પુછપરછ સમયે રણવીરને હાજર રહેવા દેવાયો ન હતો. દિપિકાની પુછપરછનો પ્રથમ રાઉન્ડ બે કલાક ચાલ્યો હતો તે સમયે અભિનેત્રી શ્રદ્ધાકપુર પુછપરછ માટે પહોંચી ગઈ હતી અને 12.30 કલાકે સારાઅલીખાન પણ અહી પહોંચી ગઈ હતી અને એક બાદ એક બન્નેની પુછપરછ શરુ કરવામાં આવી હતી.
તે બાદ ફરી એક વખત દિપિકા અને તેની સેક્રેટરી કરીશ્મા પ્રકાશને સામસામા બેસાડીને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા.નાર્કોટીકની એક અન્ય ટીમ શ્રદ્ધા અને સારાની પુછપરછ કરી જ રહી હતી અને બાકીના 1 કલાકના બ્રેક બાદ ફરી ત્રણેયની પુછપરછ શરુ થઈ છે.આ વચ્ચે ધર્મા પ્રોડકશનની એકઝીકયુટીવ પ્રોડયુસર ક્ષિતિજ પ્રસાદની વિધિવત ધરપકડ થઈ છે તેના નિવાસેથી ડ્રગ મળી આવ્યું હતું.આમ બોલીવુડમાંથી આ પ્રથમ ધરપકડ થઈ છે અને હવે વધુ લોકો સુધી તપાસ જશે તેવા સંકેત છે.

