હત્યાના વિરોધમાં મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝની નાથાણી માર્કેટે પાળ્યો બંધ:આ માર્કેટમાં ૮૫ ટકા રાજસ્થાનના વેપારીઓ છે રાજસ્થાનના ઉદયપુરના એક ટેલર કન્હૈયાલાલે બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને તેમની પ્રૉફેટ મોહમ્મદ પરની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી સમર્થન આપ્યું હતું.એને પરિણામે તેની દુકાનમાં જઈને ટેલરિંગનું કામ આપવાના બહાને ઘૂસેલી બે વ્યક્તિએ તેની નિર્મમ હત્યા કર્યા બાદ રાજસ્થાનમાં ઊહાપોહ મચી ગયો છે.કન્હૈયાલાલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત મુંબઈના રાજસ્થાન સમાજમાં પણ પડ્યા છે.ગઈ કાલે કન્હૈયાલાલના અંતિમ સંસ્કારના દિવસે મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝ માર્કેટ બંધ રહી હતી.આ માર્કેટમાં ૮૫ ટકા વેપારીઓ રાજસ્થાનના છે,જેમણે કન્હૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજા આપવાની માગણી કરી છે.
કન્હૈયાલાલે બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા માટે સોશ્યલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું હતું,જેની પ્રૉફેટ મોહમ્મદ પરની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓએ દેશ-વિદેશમાં ભારે વિવાદ ઊભો કર્યો હતો. કન્હૈયાલાલે નૂપુર શર્માની ટિપ્પણીને સોશ્યલ મીડિયામાં સમર્થન આપ્યું હતું,જેને પગલે તેને રોજ ધમકીના ફોન આવતા હતા.ત્યાર બાદ ૧૦ જૂને તેની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી,જેને કારણે કન્હૈયાલાલની પોલીસે ધરપકડ પણ કરી હતી.જોકે ૧૫ જૂને કન્હૈયાલાલે પોલીસમાં ફરિયાદ કરી હતી કે અમુક સમાજના લોકો તરફથી તેને ધમકી મળી રહી છે.આથી પોલીસે બન્ને પાર્ટીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમાધાન કરાવ્યું હતું.
મંગળવારે બપોરે કન્હૈયાલાલની દુકાનમાં બે મુસ્લિમ પુરુષોએ ટેલરિંગનું કામ આપવાના બહાને જઈને કન્હૈયાલાલનું ગળું ચીરી નાખ્યું હતું.ગુનો કર્યા પછી તરત જ બન્ને આરોપીઓએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો,જેમાં શિરચ્છેદની બડાઈ મારવામાં આવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવને પણ ધમકી આપવામાં આવી હતી.ઉદયપુર પોલીસે ઘટનાના કલાકોમાં જ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે કન્હૈયાલાલના શરીર પર ઘાનાં ૨૬ નિશાન મળ્યાં છે.તેના ગળા પાસે ઘાનાં આઠથી દસ નિશાન મળ્યાં છે.બાકીના શરીરના બીજા હિસ્સાઓમાં નિશાન મળ્યાં છે.
કન્હૈયાલાલના પરિવારજનોએ કન્હૈયાલાલની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી છે.તેના ગઈ કાલે પૂરા સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર સમયે હજારો લોકોની મેદની હાજર રહી હતી અને કન્હૈયાલાલની હત્યાનો વિરોધ કર્યો હતો.