મુંબઈ : શહેરમાં હવાનું પ્રદૂષણ દિનપ્રતિદિન વધતું જાય છે અને તેની વિપરિત અસર મુંબઇગરાના શ્વસન તંત્ર અને આરોગ્ય પર પડી રહી છે.આથી,કેન્દ્ર સરકારે ગયા વર્ષે શરૃ કરેલી ભંગાર વાહનોને દૂર કરવાની સ્ક્રેપિંગ પોલિસીનો રાજ્ય સરકારે અમલ કરવાનો પ્રયાસ કરી દીધો છે અને છેલ્લા બે મહિનાથી પણ ઓછા સમયમાં મુંબઇ,થાણે,નવી મુંબઇમાંથી એકત્ર કરાયેલા ૧૫૦૦૦થી વધુ ભંગાર વાહનોને ટો કરી શહેરના માર્ગો અને શેરીઓમાંથી દૂર કર્યાં છે.મુંબઇમાં ૧૦૦૦ વાહનોને લિલામ કર્યા છે તો નવી મુંબઇ મહાનગર પાલિકાએ ૨,૦૦૦થી વધુ ભંગાર વાહનોના લિલામની દરખાસ્ત રજૂ કરી છે.આંખના દુખાવા અને ટ્રાફિકના મુક્ત પ્રવાહમાં અવરોધરૃપ બનતા આ ભંગાર વાહનો રાતે તો સમાજવિરોધી તત્વોના અડ્ડા બની જાય છે અને માર્ગ ઓળંગનારા માટે મોટું જોખમ સાબિત થાય છે.આ સંદર્ભે એક્ટિવિસ્ટો ઘણાં લાંબા સમયથી કેન્દ્ર સરકારની સ્ક્રેપિંગ પોલિસીનો રાજ્ય સરકાર અમલ કરે એવી માગણી કરી રહ્યા હતા,જેથી કરીને શહેરના માર્ગોને આવા ભંગાર વાહનો ંથી મુક્ત કરી શકાય.માર્ચ અને મે મહિનાના મધ્ય સુધીમાં મુંબઇમાંથી ૧૩,૪૫૧ભંગાર વાહનો દૂર કરવામાં આવ્યા અને એ માટે રોજના સરેરાશ ૧૮૯ વાહનોનો નિકાલ લાવવામાં આવ્યો.ભંગાર વાહનોને ડમ્પિંગ કરવા માટે જગ્યાની અછતનો સામનો કરવા પર પોલીસ કમિશનરે મહાપાલિકાનો પણ સંપર્ક સાધ્યો છે.પોલીસે ભંગાર વાહનોને ડમ્પ કરવા માટે શહેરમાં જગ્યાની શોધ કરી છે.પણ હજુ સુધી તેમને સફળતા મળી નથી.ટ્રાફિક પોલીસ પાસેથી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ અને સ્થાનિક પોલીસ પાસેથી જે તે ભંગાર વાહન કોઇ ગુના અથવા કોર્ટ કેસ સાથે સંકળાયેલું નથી એવી જાણ થયા બાદ મહાપાલિકા આ વાહનોને લિલામમાં મૂકી શકે છે.ભંગાર વાહનોના રજિસ્ટ્રેશન નંબરને કેન્સલ કરવા માટે રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસને જાણ ખરવાની હોય છે.મહાપાલિકાની દરેક વોર્ડમાં આવેલી વેલ્યુએશન કમિટી વાહનની કિંમત નક્કી કરે છે.લિલામ માટે કોન્ટ્રાકટરની નિમણૂક કરવામાં આવી છે.અને વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત કરતા વધુ અથવા તેના કરતાં વધારે કિંમતની બિડ કરે છે તેને વાહન મળે છે.
‘અમે દહીસરના ઝોન-સાતમાં લગભગ ૧,૦૦૦ જેટલાં વાહનોનું લિલામ કર્યું છે અને તેમાંથી રૃા.એક કરોડની કમાણી કરી છે,’એમ વધારાના સુધરાઇ કમિશનર સંજીવકુમારે જણાવ્યું છે,દરેક વોર્ડ લિલામ યોજીશકે છે અને ટૂંક સમયમાં ત્રણ વોર્ડમાં લિલામ યોજવામાં આવશે.મુંબઇની જેમ નવી મુંબઇમાં પણ ખાલી જગ્યાનો અભાવ છે અને આથી પોલીસે ભંગાર વાહનોને નવી મુંબઇની વોર્ડ ઓફિસ પાસે અથવા ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક ડમ્પ કરવા પડે છે.