મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી પૅસેન્જર દ્વારા ખાસ પ્રકારનો બેલ્ટ બનાવી એમાં ૫.૩૮ કરોડ રૂપિયાનું ૧૨ કિલો સોનું છુપાવીને સ્મગલ કરવાનો પ્રયાસ થયો હતો જે કસ્ટમ્સે નિષ્ફળ બનાવ્યો હતો.જોકે એ વખતે એ પૅસેન્જરને નાસી જવાની તક મળે એટલે તેના કેટલાક સાગરીતોએ હોબાળો મચાવ્યો હતો અને ધક્કામુક્કી પણ કરી હતી.જોકે કસ્ટમ્સના અધિકારીઓએ મચક આપી નહોતી.એટલું જ નહીં, એ પૅસેન્જરને તો પકડ્યો જ હતો, પણ તેને ભગાવવાની તક સર્જવાની કોશિશ કરનાર તેના પાંચ સાગરીતોની પણ અરેસ્ટ કરાઈ હતી.તેમના અન્ય કેટલાક સાગરીતોને તો ડિપૉર્ટ જ કરી દેવાયા હતા.
સોનાનું સ્મગલિંગ કરતાં પકડાયેલો હસન અલી સુદાનનો નાગરિક છે.કસ્ટમ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોની આ બહુ જાણીતી રીત છે.તેમના સાગરીતને રેડ ચૅનલમાંથી પસાર કરાવી દેવા તેઓ આવું કરતા હોય છે.આ આખું ગ્રુપ દુબઈથી મુંબઈ આવ્યું હતું.હસન અલી પાસેથી ચોક્કસ પ્રકારના બનાવાયેલા બેલ્ટમાંથી ૧૨ કિલો સોનું મળી આવ્યું હતું,જેની કિંમત ૫.૩૮ કરોડ રૂપિયા થાય છે.અમે એ પકડાયેલું સોનું જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.