મનોચિકિત્સક પાસે જઈને તેઓ સર્ટિફિકેટ મેળવવા માટે કરી રહ્યા છે ધમપછાડા
કોરોનાને કારણે હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે દરરોજ દારૂ પીવાનું બંધાણ ધરાવનારાઓની હાલત ખરાબ થઈ ગઈ છે.તેઓ હવે મનોચિકિત્સક પાસે જઈને તેમની તબિયતના આધારે તેમને દારૂ મળી શકે એ માટેનું સર્ટિફિકેટ માગી રહ્યા છે.
લૉકડાઉનનો અણસાર આવી જતાં દારૂના અનેક બંધાણીઓએ લૉકડાઉન પહેલાં જ થોડો ઘણો સ્ટૉક કરી રાખ્યો હતો,પણ લૉકડાઉનને કારણે આખો દિવસ ઘરે જ રહેતા હોવાથી એ સ્ટૉક ધાર્યા કરતાં વહેલો ખલાસ થવા લાગ્યો અને હવે તેમને દારૂ પીધા વગર હાથ-પગ ધ્રૂજવા સહિત મેન્ટલ ટ્રેસ અન ચીડચીડિયાપણાની તકલીફ થવા માંડી છે એથી તેઓ મનોચિકિત્સકનો સંપર્ક સાધીને તેમને દારૂ મળે એ માટે મેડિકલ સર્ટિફિકેટ માગી રહ્યા છે.
મનોચિકિત્સિક ડૉક્ટર સંદીપ જાધવે કહ્યું હતું કે ‘કેરળમાં દારૂ ન મળતાં કેટલાક બંધાણીઓએ આત્મહત્યા કરી લીધી છે,જ્યારે આપણે ત્યાં પણ બંધાણીઓની સંખ્યા બહુ મોટી છે. મારી પાસે પણ અનેક જણ આવે છે અને ફરિયાદ કરે છે કે ડૉક્ટર દારૂ પીધા વગર અમારા હાથ-પગ ધ્રૂજે છે. ભળતાસળતા વિચાર આવે છે. વિચિત્ર સપનાં આવે છે,આસપાસ સાપ ફરતા હોય એવું લાગે છે, પ્લીઝ દારૂ મળે એ માટે સર્ટિફિકેટ લખી આપો. મૂળમાં દારૂ અને તમાકુના વ્યસનીઓને જો એ ન મળે તો આવી તકલીફ થાય છે,જેને વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સ કહેવાય છે.’