મુંબઈ : મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ,એન્કાઉન્ટર સ્પેશ્યિાલિસ્ટ પ્રદીપ શર્મા,સચિન વાઝે સહિત અન્ય પોલીસ ઓફિસર સામ ેહાલ જુદા જુદા ગંભીર આરોપ થયા છે.ત્યારે ફરી વધુ બે સિનિયર પોલીસ ઓફિસર વિવાદમાં સપડાયા છે.ગેરકાયદે ભારતમાં આવેલી બાંગ્લાદેશી મહિલા સામે કાર્યવાહી ન કરવા દબાણ કર્યું હોવાના આરોપસર માલવણી પોલીસ સ્ટેશનમાં આઈપીએસ દેવેન ભારતી એને એસીપી દિપક ફટાંગરે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે વિવિધ કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી છે. જો કે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.
બાંગ્લાદેશી મહિલા આરોપીએ યોગ્ય દસ્તાવેજ વિના ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો હતો.અન્ય સાથીદારની મદદથી બનાવટી દસ્તાવેજોના આધારે ભારતનો પાસપોર્ટ બનાવ્યો હતો.આ પ્રકરણે તત્કાલિન સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરની ફરિયાદ છતાં ભારતી અને ફટાંગરેએ કેસ દાખલ કર્યો નહોતો.આ સિવાય જરૃરી કાર્યવાહી ન કરી હોવાનું કહેવાય છે.તેમણે સિનિયર પોલીસ અધિકારીને ફરિયાદ ન નોંધવા અને કાર્યવાહી ન કરવા દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે.છેવટે સીઆઈયુના અધિકારીના માર્ગદર્શન હેઠળ માલવણી પોલીસ સ્ટેશનમાં બંને સામે કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.