મુંબઈ,તા.૧૬: હાલમાં જ વિકોલી સ્થિત ટાગોર નગરમાં તોડી પડાયેલા ઝૂપડામાં રહેતા લોકોને નજીકમાં ખાલી પડેલા પ્લોટ પર મફતમાં જમીન મળશે એવી અફવા ઉડતા વિવિધ ઉપનગરોમાંથી લગભગ ૫૦૦ લોકોએ ત્યાં દોટ મુકી હતી.વળતર તરીકે જમીન મળવાની છે એવી આશાએ લોકોએ ત્યાં પહોંચીને બામ્બુ ઊભા કરી દીધા હતા અને પોતાની જમીન તરીકે દોરી બાંધીને માર્કિંગ પણ કરી દીધું હતું.કેટલાક લોકોએ તો નેતાના સ્વાંગમાં ઊભેલા અમુક લોકોને હજારો રૂપિયા પણ રજિસ્ટ્રેશન તરીકે ચુકવી દીધા હતા.સ્થાનિક પોલીસ અને પાલિકા પ્રશાસને લોકોને ત્યાંથી હટાવવા અને અતિક્રમણ રોકવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
૧૫ દિવસ અગાઉ મ્હાડાએ વિકોલી સ્થિત ટાગોર નગરમાં ૨૦ એકરના ખાલી જમીન નજીક ૧૫ થી ૨૦ ઝૂંપડા હટાવ્યા હતા.આ ઝૂંપડાના વળતર તરીકે રહેવાસીઓને જોગેશ્વરી લિંક રોડ નજીક ખાલી પ્લોટ પર જમીન આપવામાં આવશે.એવો મેસેજ વોટ્સએપ પર વાયરલ થયો હતો.બીજા જ દિવસો તોડી પડાયેલા ઝૂંપડાના રહેવાસીઓએ આ ખાલી પ્લોટ પર પોતાની જમીનની નિશાની કરી દીધી.