મુંબઈ તા.10 : ભારતમાં કોરોના હોટસ્પોટ બની રહેલા તથા ખતરનાક લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં વિક એન્ડ લોકડાઉન લાગુ પડવા સાથે જ સર્વત્ર સન્નાટો છવાયો છે.રાજયમાં કોરોના બેકાબુ છે.ત્યારે વિક એન્ડ લોકડાઉન ઉપરાંત એક બે સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક રફતારમાં કોઈ રાહત નથી.છેલ્લા ચોવીક કલાકમાં 58993 કેસ નોંધાયા હતા અને 301 લોકોના મોત નીપજયા હતા.મહાનગર મુંબઈમાં 9200 કેસ નોંધાયા હતા અને 35 દર્દીઓએ દમ તોડયો હતો.આ સાથે કુલ મૃત્યુઆંક 11909 થયો છે. 26 ઓકટોબરે મુંબઈમાં 37 લોકોના મોત થયા હતા.ત્યારપછીનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે.દેશના આર્થિક પાટનગરમાં કુલ કેસ 5,00898 થયા છે.છેલ્લા 12 દિવસમાં જ એક લાખ કેસ નોંધાયા છે.એકટીવ કેસોની સંખ્યા 90333 ની થઈ છે.રિકવરી રેટ 79 ટકા છે જયારે વૃધ્ધિદર બે ટકાનો થયો છે.
રાજયમાં કોરોના કેસોમાં કોઈ રાહત મળતી નથી જયારે માત્ર વિક એન્ડને બદલે એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવીને પરિસ્થિતિને કાબુમાં લેવાની વિચારણા શરૂ થઈ છે.સમગ્ર મહારાષ્ટ્રમાં વિક એન્ડ લોકડાઉન શરૂ થતાં રોડ-રસ્તા,જાહેર સ્થળો સહીતના સ્થાનો સુમસામ બની ગયા છે લોકોને ઘરની બહાર નીકળવા પર જ પ્રતિબંધ છે.રાજય સરકારે પાંચ દિવસ પૂર્વે જ વિક એન્ડ લોકડાઉનનો નિર્ણય જાહેર કરી દીધો હતો તેનો અમલ શરૂ થતા પુર્વે મુંબઈ સહીતના શહેરોમાં આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી કરવા લોકો ઉમટી પડયા હતા.
કોરોનાની ચેઈન તોડવા માટે એક સપ્તાહનું લોકડાઉન લગાવવાની વિચારણા કરવા માટે રાજય સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે.તમામ રાજકીય પક્ષોને વિશ્ર્વાસમા લઈને આ કદમ ઉઠાવવાનો વ્યુહ અપનાવ્યો છે. વર્તમાન નિયંત્રણોનો વિરોધ કરી રહેલા ભાજપ તથા મનસેનાં નેતાઓને પણ તેડાવવામાં આવ્યા છે.પરિસ્થિતિની ગંભીરતાને લક્ષ્યમાં રાખીને સપ્તાહના લોકડાઉન સિવાય વિકલ્પ ન હોવાની દલીલ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે કરી શકે છે.મહારાષ્ટ્રનાં સીનીયર પ્રધાન વિજય વાડેટીવારે ત્રણ સપ્તાહનું લોકડાઉન લાદવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.
આ સિવાય ખુદ આરોગ્ય પ્રધાન રાજેશ તોપેએ પણ બે-ત્રણ દિવસનું લોકડાઉન લગાવવા મુખ્યમંત્રીને સલાહ આપી છે.નિયંત્રણો હોવા છતાં શાકભાજી-અનાજ સહીતની બજારો-દુકાનોમાં મોટી ભીડ થતી હોવાની દલીલ પેશ કરવામાં આવી હતી. હોસ્પીટલોમાં નવા દર્દીઓનો રાફડો છે.લોકડાઉન દરમ્યાન નવી મેડીકલ માળખાકીય સુવિધા ઉભી કરવાનું પણ સરળ બની શકે છે.મહારાષ્ટ્રમાં ભાજપ મનસે જેવા વિરોધપક્ષ ઉપરાંત એનસીપી કોંગ્રેસ જેવા સાથી પક્ષ પણ લોકડાઉનનો વિરોધ કરતા હોવાનું ઉલ્લેખનીય છે.