– ખેડૂત સંગઠને શિંદેને પત્ર લખીને કહ્યું પૈસા સિવાય કામો થતાં નથી
મુંબઈ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ કર્યા છે.રાજ્યમાં સરકારી કર્મચારીઓની બદલીઓ કરવા માટેનું રેટકાર્ડ તેમણે મુખ્ય મંત્રી એકનાથ શિંદેને મોકલ્યું છે.સરકારનાં કોઈ પણ કાર્યાલયમાં જઈએ તો ત્યાં સામાન્ય જનતાનાં કામો થતાં નથી.બધા કાગળિયાં જોડે હોવા છતાં કોઈક ને કોઈક કારણ આપીને કામમાં ટાળમટોળ કરવામાં આવે છે.તેથી સામાન્ય માણસોને નાછૂટકે પૈસા આપવા પડે છે.આ વિશે શેટ્ટીએ શિંદેને પત્ર લખ્યો છે.
દેશમાં છોડો પણ આજે રાજ્યની જનતા ભ્રષ્ટ કારભારને લીધે ત્રાસી ગઈ છે.લોકો સરકારી કાર્યાલયમાં જાય તો પૈસા આપ્યા વિના તેમનાં કામો થતાં નથી.ખરેખર આ વ્યવસ્થા માટે કોણ કારણભૂત છે.આ વ્યવસ્થા બદલાશે કે પછી વધુ ભયાનક બનશે. થોડાં વર્ષ પૂર્વે મહેસૂલ,ગૃહ અને જાહેર બાંધકામ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનું માનવામાં આવતું હતું.
જોકે આજે મહેસૂલ,બાંધકામ,નગરવિકાસ,આદિવાસી વિકાસ,સામાજિક ન્યાય,ગ્રામ વિકાસ,સહકાર,ગૃહ,જળ સિંચાઈ,ઉત્પાદન શુલ્ક,પરિવહન સહિતનાં સરકારી કાર્યાલયના કામકાજમાં અસ્તિત્વમાં રહેલા લગભગ 52 વિભાગના અધિકારીઓમાં તલાટીથી ગ્રામસેવક સુધી મંત્રાલયીન સચિવથી બધા વિભાગોમાં જનતાનાં કામો અટકાવીને સતાવવામાં આવી રહ્યા છે, એમ શેટ્ટીએ પત્રમાં જણાવ્યું છે.
કદાચ સામાન્ય માણસોની સતામણી કરતી આ વ્યવસ્થા પર બોલવાની કોઈની હિંમત નહીં હોવાથી તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તે સત્ય તમે નકારી નહીં શકશો.સરકારી કાર્યાલયમાં સામાન્ય જનતા કામ માટે જાય તો નિયમમાં બેસતું હોવા છતાં તેમને અઠકાવીને સંબંધિત અધિકારી આ નાગરિકોને આંટાફેરા કરાવે છે,જેમાં ત્રાસીને આખરે તે પૈસા આપે પછી જ તેનો પ્રસ્તાવ આગળ જાય છે આ પછી ગૂડ ગવર્નન્સની અને ભ્રષ્ટાચાર મુક્ત કારભારની બોલબાલા શું કામની.આ તો ફક્ત બદલીઓની બાબતમાં થયું.તેની સાથે એકાદ વિશિષ્ટ ફાયદા માટે શાસન નિર્ણય કરવો,એફએસઆઈની જગ્યાનું આરક્ષણ,સરકારી જગ્યાનું વેચાણ,અનુદાન વહેંચણીમાં આર્થિક તડજોડના આંકડા તો છક કરાવનારા છે.
પોસ્ટિંગમાં કોના કેટલા?
શેટ્ટીએ જણાવ્યું કે દરેક કામમાં પૈસા માગવાની અધિકારીઓની વધેલી હિંમત ધ્યાનમાં લેતાં તેમની ગરદન પર વ્યવસ્થાની બદલીની તલવાર ફેરવવામાં આવી હોવાનું સ્પષ્ટજણાય છે.આજે આ વ્યવસ્થામાં ગ્રામસેવક કહે છે કે મેં બે લાખ આપ્યા છે, તલાટી કહે છે મેં 5 લાખ આપીને પોસ્ટિંગ લીધું છે.
પોલીસ ઈન્સ્પેક્ટર કહે છે મેં 25 લાખ આપ્યા, તહેસીલદારે કહે છે મેં રૂ. 50થી 1 કરોડ આપ્યા છે, કૃષિ અધિક્ષક કહે છે, મેં રૂ. 30 લાખ આપ્યા છે,પ્રાંત અધિકારી કહે છે મેં દોઢ કરોડ આપ્યા છે,આરટીઓ અધિકારી કહે છે મેં રૂ. 2 કરોડ આપ્યા છે, જિલ્લાધિકારી કહે છે મેં રૂ. 5 કરોડ આપ્યા છે,એસપી કહે છે મેં રૂ. 5 કરોડ આપ્યા છે,નગરરચના વિભાગના સહાયક સંચાલક કહે છે મેં રૂ. 3 કરોડ આપ્યા છે, કમિશનર કહે છે મેં રૂ. 15 કરોડ આપ્યા છે, સચિવ કહે છે મલાઈદાર વિભાગ માટે રૂ. 25થી 50 કરોડ આપવા પડે છે, એવો ગંભીર આરોપ તેમણે કર્યો છે.
આ પાપ ક્યાં ધોવાય છે?
શેટ્ટીએ એમ પણ કહ્યું છે કે સામાન્ય અને મહેનતુ જનતાના પરસેવામાંથી લૂંટની આવી વ્યવસ્થા નિર્માણ કરીને જો સામાન્ય જનતાને લૂંટીને તેમના પાપના ભાગીદાર બનીને ગૌહાટીમાં જઈને કામાખ્યાદેવી પાસે આ બધાં પાપ ધોવામાં આવે છે કે કેમ? જો આ વ્યવસ્થા સુધારવી હોય તો દેશમાં 543 લોકો અને રાજ્યમાં 288 લોકો નક્કી કરે તો તે શક્ય બની શકે છે.અન્યથા ગૂડ ગવર્નન્સનો કોઈ અર્થ નથી. શિક્ષકો પણ આમાં ભોગ બન્યા છે, એવો આરોપ પણ શેટ્ટીએ કર્યો છે.