મુંબઈ, તા.૧૨ : સૅમ્સની ૧૬ રનમાં ત્રણ અને બુમરાહે ૩ ઓવરમાં માત્ર ૧૨ રન આપતાં ઝડપેલી ૧ વિકેટની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર ૯૭ રનમાં સમેટી લીધા બાદ પાંચ વિકેટથી મેચ જીતી લીધી હતી.જીતવા માટેના ૯૮ રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ માત્ર ૩૩ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.જોકે તિલક વર્માએ અણનમ ૩૪ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી.આ પરાજયની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પ્રવેશવાની રહી-સહી આશાઓ પણ હવે સમાપ્ત થઈ ગઈ છે.મુંબઈ તો પહેલાથી જ બહાર ફેંકાઈ ચૂક્યું હતુ.
જીતવા માટેના ૯૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા મુંબઈને મુકેશ ચૌધરીએ ફટકો પહોંચાડતા કિશન (૬)ની વિકેટ ઝડપી હતી.રોહિત શર્માએ ૧૪ બોલમાં ૧૮ રન કર્યા હતા, પણ તે સિમરજીતનો શિકાર બન્યો હતો.ચૌધરીએ ત્યાર બાદ એક જ ઓવરમાં ત્રણ બોલના ગાળામાં સૅમ્સ અને સ્ટુબ્સને આઉટ કરતાં મુંબઈે ૩૩ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.તિલક વર્માએ એક છેડો સંભાળતા શોકીન (૧૮) સાથે ૪૮ અને ડેવિડ (૧૬*) સાથે અણનમ ૨૨ રન જોડતા ટીમને જીતાડી હતી.
અગાઉ મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટિંગમાં ઉતાર્યું હતુ.ચેન્નાઈએ માત્ર ૧૭ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મીડલ ઓર્ડરમાં ધોનીએ લડત આપતાં ૩૩ બોલમાં અણનમ ૩૬ રન ફટકાર્યા હતા.સૅમ્સે ૧૬ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.બુમરાહે ૩ ઓવરમાં માત્ર ૧૨ રન આપ્યા હતા અને ઉથપ્પાને આઉટ કર્યો હતો.મેરેડિથ અને કાર્તિકેયાએ પણ ૨-૨ વિકેટ ઝડપી હતી.