મુંબઈ : ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ સોપારીની દાણચોરીમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને ક્સ્ટમ્સ ડ્યુટી ગુપચાવી દાણચોરીથી ૧૪ કન્ટેનર ભરીને આયાત કરાયેલી સોપારી તળેગાવથી ઝડપી લીધી હતી.આ ૧૪ કન્ટેનરમાં કુલ ૩૭૧ ટન સોપારી હતી, જેની કિંમત ૩૨.૩૧ કરોડ રૂપિયા થાય છે.
દેશી સોપારીની ખપત થાય એટલે વિદેશથી આયાત કરાતી સોપારી પર ભારત સરકારે ૧૧૦ ટકા કસ્ટમ ડ્યુટી નાખી છે અને એની કિંમત બમણી કરતાં વધુ થતી હોવાથી સોપારીની દાણચોરી થાય છે.ડીઆરઆઇને ચોક્કસ માહિતી મળી હતી કે ૧૪ કન્ટેનરમાં કૅલ્શિયમ સલ્ફેટ કહીને દાણચોરીથી સોપારી આયાત કરવામાં આવી રહી છે.વળી એના જે દસ્તાવેજ હતા એમાં કાર્ગોની યાદી અને પાર્ટીના બિલ ઑફ લોડિંગમાં વિસંગતિ જણાતાં શંકા પાકી થઈ હતી એટલે ૩૧ ઑગસ્ટે તળેગાવના કન્ટેનર ડેપોમાં ડીઆરઆઇએ રેઇડ પાડી હતી.