મુંબઈ : પરેલ,સાયન,વડાલા અને માટુંગા જેવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધારવા માટે ૯૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ૯.૭ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ વૉટર ટનલ તૈયાર કરવાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ની દરખાસ્તને પડકારતી નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને હાઈ કોર્ટે ફગાવી દેતાં બીએમસીએ આખરે આ પ્રોજેક્ટ પર કાર્ય આરંભી દીધું છે.બીએમસી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાઈ કોર્ટના આદેશથી તેમને રાહત થઈ છે.
એફ-નૉર્થ વૉર્ડના વિસ્તારો (વડાલા, માટુંગા, દાદર ઈસ્ટ),એફ-સાઉથ વૉર્ડના વિસ્તારો (લાલબાગ, પરેલ અને ચિંચપોકલી) અને એલ વૉર્ડના કેટલાક ભાગો (કુર્લા) અને ઈ વૉર્ડના વિસ્તારો (ભાયખલ્લાના વિસ્તારો)માં પાણીનો પુરવઠો સુધારવા માટે પ્રોજેક્ટના ભાગરૂપે અમર મહલ જંક્શન,ઘાટકોપરથી પ્રતીક્ષાનગર, સાયનથી પરેલ અન્ડરગ્રાઉન્ડ ટનલ મુકાશે.મહાનગરપાલિકાને શાફ્ટ બનાવવા માટે ૪૨૦૦ ચોરસ મીટર જગ્યા જોઈતી હતી જેથી ટનલ ત્યાંથી પસાર થઈ શકે.આ માટે તેમણે ભોઈવાડા પોલીસ સ્ટેશન નજીક નઇગાંવ ખાતે સદાકાન્ત ધવન ઉદ્યાન,પ્લેગ્રાઉન્ડની પસંદગી કરી હતી.
એના કારણે સ્થાનિક લોકોમાં તેઓ છ વર્ષ સુધી પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ નહીં કરી શકે એવો ભય સર્જાયો હતો.
નઇગાંવ અને પરેલના સ્થાનિક લોકોએ વિરોધ કરતાં અમે વ્યૂહરચના ઘડીને પ્લેગ્રાઉન્ડની માત્ર ૧૭૭૭ ચોરસ મીટર જગ્યા દોઢ વર્ષ માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું.પછીથી સૂચિત ૪૨૦૦ ચોરસ મીટરના સ્થાને જગ્યા ઘટાડીને બાકીનાં ચાર વર્ષ માટે ૧૦૦૦ ચોરસ મીટર કરવામાં આવશે.ગ્રાઉન્ડની અલ્પતમ જગ્યા વપરાય એ માટે અમે કામની પદ્ધતિ સુધ્ધાં બદલી એમ એક મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘તમામ પગલાં ભરવા છતાં બીએમસીએ પીઆઇએલનો સામનો કરવો પડ્યો હતો.પીઆઇએલમાં બીએમસીએ જમીન માફિયાને સાધ્યા હોવાનો અને તેમની સાથે મળીને પ્લેગ્રાઉન્ડ વિકસાવી રહ્યું હોવાનો આક્ષેપ થયો હતો.જોકે હાઈ કોર્ટે અરજકર્તાઓને આરોપ સાબિત કરવા જણાવ્યું ત્યારે તેઓ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા અને આથી પિટિશન ફગાવી દેવાઈ હતી.’