નવી દિલ્હી,તા.20.એપ્રિલ,2023 : મુંબઈ પર થયેલા આતંકી હુમલાના એક આરોપી તેમજ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે.
2008ના આતંકી હુમલામાં સામેલ રાણા પર મુંબઈ હુમલાના વધુ એક આરોપી ડેવિડ હેડલીને મદદ કરવાનો આરોપ છે.પાકિસ્તાનમાં જન્મેલા રાણાએ દસ વર્ષ સુધી ડોકટર તરીકે પાકિસ્તાનની સેનામાં નોકરી કરી હતી અને તે બાદમાં કેનેડા સ્થાયી થયો હતો.જોકે હાલમાં તે શિકાગોમાં રહે છે અને અહીંયા જ બિઝનેસ ચલાવે છે.
2006 થી 2008 દરમિયાન તહવ્વુર રાણાએ હેડલી અને બીજા લોકોની સાથે મળીને મુંબઈ હુમલાનુ કાવતરુ ઘડયુ હોવાનો આરોપ છે.રાણાએ આ દરમિયાન આતંકી સંગઠન લશ્કર એ તોયબાની પણ મદદ કરી હતી.આ મામલામાં ડેવિડ હેડલી સરકારી સાક્ષી બની ચુકયો છે અને અમેરિકાની કોર્ટે તેને 35 વર્ષની સજા ફટકારી છે.
બીજી તરફ અમેરિકાની જેલમાં બંધ રાણાના વકીલે સ્ટેટ્સ કોન્ફરન્સ મોશન કોર્ટમાં રજૂ કરી હતી અને દલીલ કરી હતી કે, આ મામલામાં છેલ્લે 21 જુલાઈ, 2021ના રોજ દલીલ કરવામાં આવી હતી અને રાણા જ્યારે સતત જેલમાં છે ત્યારે કોર્ટ દ્વારા વર્તમાન સ્થિતિ પર વધારે ચર્ચા કરવી જરુરી છે.જોકે કોર્ટે આ અપીલ ફગાવી દીધી છે અને આગામી 30 દિવસમાં કોર્ટ રાણાને ભારતને સોંપવો કે નહીં તેના પર નિર્ણય લેશે.
અમેરિકન સરકાર તહવ્વુર રાણાને ભારતને સોંપવા માટે પહેલા જ કોર્ટ સમક્ષ દલીલ કરી ચુકી છે.


