– કામદારોમાં ગભરાટ બાદ અદાણી પોર્ટે કરી સલામતીની સ્પષ્ટતા : મુંબઇમાં જાણ કરાયા બાદ ત્યાં કન્ટેનમેન્ટ ઝોન માટેની પ્રક્રિયા ચાલુ : એક ક્રુ મેમ્બરને કારણે કાર ડ્રાઇવર સહિત સંપર્કમાં આવેલા ૬૬ જણા કવોરેન્ટાઇન : પાંચ ક્રુ મેમ્બરો મંજૂરી લઇને ડ્યુટી જોઇન્ટ કરવા મુંબઇથી પાંચ કારમાં મુન્દ્રા આવ્યા હતા : તે પૈકી એકનો ખાનગી લેબમાં પોઝિટિવ રિપોર્ટ
ભુજ તા. ૧ : કચ્છ કોરોના મુકત થાય તેના ગણતરીના કલાકોમાં જ વધુ એક પોઝિટિવ દર્દીએ તંત્ર અને લોકોની ચિંતા વધારી દીધી છે.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપેલી માહિતી પ્રમાણે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર મુંબઈથી ડ્યુટી જોઈન્ટ કરવા આવેલ ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.અલબત્ત આ રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબનો હોવાનું પણ તે રિપોર્ટ માન્ય હોવાની પુષ્ટિ પણ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કરી અને તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવા આદેશ અપાયો હોવાનું પણ જણાવ્યું હતું.આ ક્રુ મેમ્બર મુંબઈના ભાંડુપમાં ગાંવદેવી રોડ મધ્યે રહેતો ૨૫ વર્ષીય યુવાન શુશીલકુમાર હોવાની ઓળખ જાહેર થયા બાદ કચ્છના વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ૫ ક્રુ મેમ્બર શિપિંગ મંત્રાલયના ઈ પાસ લઈને મુંબઈથી ૫ કાર દ્વારા મુન્દ્રા આવ્યા હોવાનું જણાતા તે અંગે આનુસંગિક પગલાં ભરવાનું ચાલુ કરાયું હતું.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દી શુશીલકુમાર સહિત ૫ ક્રુ મેમ્બરને લઈ આવનાર મુંબઈના ૫ ડ્રાઇવરો ગાંધીધામમાં આરતી હોટેલમાં રોકાયા હોઈ તેમને ત્યાં જ કવોરેન્ટાઈન કરાયા છે.તો, અન્ય ૪ ક્રુ મેમ્બરને મુન્દ્રાની હોટેલ બી ટેલ હોટેલમાં જ કવોરેન્ટાઈન કરી રખાયા છે.
દરમ્યાન કોરોના પોઝિટિવ યુવાન શુશીલકુમારની આરોગ્યતંત્ર દ્વારા વધુ પૂછપરછ કરાતાં તે ૬૬ જણાના સંપર્કમાં આવ્યો હોવાનું જણાયા બાદ દરેકની ઓળખ મેળવી તેમને કવોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.આ સંદર્ભે ગઈકાલે પશ્ચિમ કચ્છ ડીએસપી સૌરભ તોલંબિયા,ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે મુન્દ્રા ધસી ગયો હતો અને હોટેલ તેમ જ એ વિસ્તાર કવોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી.જોકે, મુન્દ્રા બંદરે ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાની વાતે એક તબક્કે કામદારોમાં દહેશત સર્જી હતી.પરંતુ અદાણી પોર્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે,પોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કર્યા સિવાય કોઈને પણ પ્રવેશ અપાતો નથી.મુંબઈથી આવેલા પાંચેય ક્રુ મેમ્બરને હોટેલ બી ટેલમાં અલગ રખાયા હતા અને તેમના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે અમદાવાદની ખાનગી લેબમાં મોકલાયા હતા.જે તપાસમાં જ એક ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું.આ અગાઉ પણ મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા કોરોના અંગે લેવાતાં સલામતીના પગલાં અંગે મીડીયા બ્રિફિંગ અપાઈ ચૂકયું છે.અદાણી મુન્દ્રા પોર્ટ દ્વારા સલામતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા હોવાની સ્પષ્ટતા પણ વારંવાર કરાતી રહી છે.દરમ્યાન ડો. કન્નરે આપેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સરકારને આ પોઝિટિવ દર્દી અંગે જાણ કરી દેવાઈ છે.ત્યાં મુંબઈ ભાડુંપમાં આ ક્રુ મેમ્બર શુશીલકુમાર રહે છે,તે નંદલાલ ચોક,ગાંવદેવી રોડ ના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આ યુવાનના પરિવારજનોને કવોરેન્ટાઈન કરવા અંગેની પ્રક્રિયા મુંબઈના તંત્ર દ્વારા કરાશે.જયારે કચ્છના આરોગ્યતંત્ર દ્વારા આજે ક્રુ મેમ્બર શુશીલકુમારનું સેમ્પલ લઈને સરકારી લેબમાં મોકલાશે.અત્યારે હોટલમાં જ તેને આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ કરાઇ છે.


